(Source: ECI/ABP News/ABP Majha)
EPFO: તમારા PF એકાઉન્ટમાં ક્યારે જમા થશે વ્યાજના પૈસા? જાણો EPFOએ શું કહ્યુ?
EPFO: સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે પ્રોવિડન્ટ ફંડ (PF)માં જમા રકમ પર વ્યાજ વધારીને 8.15 ટકા કર્યું છે
EPFO: સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે પ્રોવિડન્ટ ફંડ (PF)માં જમા રકમ પર વ્યાજ વધારીને 8.15 ટકા કર્યું છે. ત્યારથી એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) ના સભ્યો તેમના ખાતામાં વ્યાજની રકમ જમા થવાની રાહ જોઈ રહ્યા છે. આ સંબંધમાં એક સભ્યએ ટ્વીટ કરીને EPFOને પૂછ્યું કે વ્યાજની રકમ અમારા ખાતામાં ક્યારે જમા થશે. EPFO એ આનો જવાબ આપ્યો અને સભ્યને વ્યાજની થાપણની સ્થિતિ વિશે પણ જાણ કરી હતી.
The process is in pipeline and may be shown there very shortly. Whenever the interest will be credited, it will be accumulated and paid in full. There would be no loss of interest. Please maintain patience
— EPFO (@socialepfo) August 4, 2023
વ્યાજ ક્યારે જમા થશે?
EPFOએ જવાબ આપ્યો કે નાણાકીય વર્ષ 2022-23 માટે ખાતામાં વ્યાજની રકમ જમા કરાવવાની પ્રક્રિયા પાઇપલાઇનમાં છે. તે ટૂંક સમયમાં જમા થશે. જ્યારે પણ વ્યાજ ચૂકવવામાં આવશે ત્યારે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. વ્યાજનું કોઇ નુકસાન નહી થાય. નોંધનીય છે કે EPF ખાતામાં વ્યાજની ગણતરી માત્ર માસિક ધોરણે કરવામાં આવે છે. પરંતુ તે નાણાકીય વર્ષના અંતે જ સભ્યોના ખાતામાં જમા થાય છે.
24 જુલાઈના રોજ જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, નાણાકીય વર્ષ 2022-23 માટે PF ખાતામાં જમા રકમ પર વ્યાજ દર 8.10 ટકાથી વધારીને 8.15 ટકા કરવામાં આવ્યું છે. આ પૈસા ઓગસ્ટ 2023 સુધીમાં દેશના 6.5 કરોડ EPFO સભ્યોના ખાતામાં પહોંચવાનું શરૂ થઈ જશે. નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2021-22 માટે EPFOએ EPF ખાતા માટે વ્યાજ દર 8.10 ટકા નક્કી કર્યો હતો.
આ રીતે પગારમાંથી પીએફ કપાય છે
જો તમે EPFO એક્ટ પર નજર નાખો તો કોઈપણ કર્મચારીના બેઝ પે અને DAના 12 ટકા પીએફ ખાતામાં જમા થાય છે. આના પર સંબંધિત કંપની કર્મચારીના પીએફ ખાતામાં સમાન રકમ એટલે કે 12 ટકા જમા કરે છે. જો કે, કંપની દ્વારા કરવામાં આવેલા કોન્ટ્રીબ્યૂશનમાંથી 3.67 ટકા EPF ખાતામાં જાય છે, જ્યારે બાકીના 8.33 ટકા પેન્શન યોજનામાં જાય છે.
કેટલો ફાયદો થશે?
હવે પીએફના ગણિતની વાત કરીએ તો જો તમારા પીએફ ખાતામાં 31 માર્ચ, 2023 સુધી કુલ 10 લાખ રૂપિયા જમા છે તો અત્યાર સુધી તમને 8.10 ટકાના દરે 81,000 રૂપિયા વ્યાજ મળતા હતા. બીજી તરફ, હવે જ્યારે સરકારે PF વ્યાજ દર વધારીને 8.15 ટકા કરી દીધો છે, તો તે મુજબ ખાતામાં જમા 10 લાખ પર તમને 500 રૂપિયાનો સીધો લાભ મળશે.