(Source: Poll of Polls)
ઈરાનમાં બંધક બનાવાયેલા ચાર ગુજરાતીઓનો છૂટકારો, મોડી સાંજ સુધીમાં અમદાવાદ પહોંચે તેવી શક્યતા
ઈરાનમાં બંધક બનાવાયેલા ચારેય ગુજરાતીઓનો છૂટકારો થયો હતો

ઈરાનમાં બંધક બનાવાયેલા ચારેય ગુજરાતીઓનો છૂટકારો થયો હતો. ગેરકાયદે વિદેશ જવાની લાલચમાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા અને બદપુરાના ચાર વ્યક્તિઓને ઑસ્ટ્રેલિયા જવાના ચક્કરમાં ઈરાનના તહેરાન શહેરમાં બંધક બનાવવામાં આવ્યા હતા. જોકે, રાહતના સમાચાર એ છે કે લાંબી જહેમત અને ખંડણી ચૂકવ્યા બાદ આ ચારેયને મુક્ત કરાવી દેવામાં આવ્યા છે અને તેઓ ભારત આવવા રવાના થઈ ચૂક્યા છે.
હાલમાં ચારેય ગુજરાતીઓ દોહા પહોંચ્યાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મોડી સાંજ સુધીમાં તે અમદાવાદ પહોંચે તેવી શક્યતા છે. ડંકી રૂટથી ઓસ્ટ્રેલિયા જતા ચારેય ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. 19 તારીખે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. તહેરાનથી ચારેય ગુજરાતીઓનું અપહરણ થયું હતું. એજન્ટોએ ગોંધીને રાખીને તેમને માર માર્યો હતો. ગુજરાત અને ભારત સરકારના પ્રયાસથી તમામ ચારનો છૂટકારો થયો હતો.
બાપુપુરા અને બદપુરાના ચાર વ્યક્તિઓ ઑસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. તેમને એમિરેટ્સ એરલાઇન્સ મારફતે દિલ્હીથી થાઇલેન્ડ લઈ જવાયા, ત્યાંથી વાયા દુબઈ થઈને ઈરાનના પાટનગર તહેરાન લઈ જવાયા હતા. તહેરાનના ખામેનીની ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જ તેમને ટેક્સીમાં બેસાડી અજાણ્યા સ્થળે (હેલી નામની હોટેલ) લઈ જવામાં આવ્યા હતા. તેહરાન એરપોર્ટ પર ઉતર્યા બાદ આ લોકોને હેલી નામની હોટલમાં લઈ જવામાં આવ્યા હતા. એવી પણ અટકળો છે કે બાબા નામના વ્યક્તિએ ઈરાનમાં તેમનું અપહરણ કર્યું હતું. અપહરણકર્તાઓએ આ યુવકોને બંધક બનાવીને ભારે શારીરિક ત્રાસ આપ્યો હતો. તેમના હાથ-પગ બાંધીને માર મારવામાં આવ્યો હતો અને ખંડણી માંગવામાં આવી હતી. આ ક્રૂરતાનો વીડિયો અપહરણકર્તાઓએ વોટ્સએપ મારફતે પરિવારજનોને મોકલ્યો હતો.
ગૃહમંત્રીને મદદ માટે કરાઈ હતી અપીલ
આ સમગ્ર ગંભીર પ્રકરણને લઈને માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને તાત્કાલિક મદદ માંગી હતી. જોકે, કયા એજન્ટે તેમને ઑસ્ટ્રેલિયા મોકલ્યા હતા અને ઈરાન સુધી પહોંચાડ્યા હતા તે અંગેની પોલીસે તપાસ શરૂ કરી હતી.





















