Gandhinagar Corona Cases: IIT માંથી મળ્યો વધુ એક કોરોના કેસ, વિદ્યાર્થી આવ્યો કોવિડ-19ની ઝપેટમાં
Gujarat Corona News: રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 70 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં આઠ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે
Gandhinagar News: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા નવા 12 કેસ નોંધાયા છે. જેને લઈ એક્ટિવ કેસની સંખ્યા વધીને 70 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં આઠ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ દરમિયાન ગાંધીનગર શહેર નજીક આવેલા પાલજની આઇઆઇટીમાં ફરજ બજાવતા બે પ્રધ્યાપક કોરોનામાં સપડાયા હતા જેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે તેવી સ્થિતિમાં આ જ સંસ્થાના 23 વર્ષિય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.અહીં રહેતા યુવાનને સામાન્ય તાવ-કફ સહિતની તકલીફ રહેવાને કારણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા આ પોઝિટિવ યુવાનને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે.
દક્ષિણ ગુજરાતની યાત્રાથી પરત ફરેલા ગાંધીનગર શહેર જિલ્લાના પાંચ યાત્રિકો તબક્કાવાર કોરોનામાં પટકાયા હતા જેમના જીનોમ સિક્વન્શીંગ કરવામાં આવતા આ પોઝિટિવ દર્દીઓ પૈકી ઘણાને જેએન.વન સબ વેરિયન્ટ હોવાનું પણ સામે આવ્યું હતું તેમ છતા આ પાંચેય પોઝિટિવ દર્દીઓએ હોમ આઇસોલેશનમાં રહીને કોરોનાને હરાવ્યો હતો. આ ઉપરાંત ગાંધીનગર શહેર નજીક પાલજની આઇઆઇટીમાં પ્રોફેસર તરીફે ફરજ બજાવતા એક મહિલા તથા એક પુરુષ પ્રોફેસર બેંગલોરની મુલાકાત બાદ સંક્રમિત થયા હતા આ બન્ને પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આવી સ્થિતિ વચ્ચે આ સંસ્થામાંથી કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ મળી આવ્યો છે.
આ અંગે આરોગ્ય તંત્રના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે,આઇઆઇટી પાલજના 23 વર્ષિય યુવાનને છેલ્લા ઘણા દિવસોથી કફ અને સામાન્ય તાવની તકલીફ રહેતી હતી જેના પગલે ડોક્ટરની સલાહ પ્રમાણે આ યુવાને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોર્પોરેશનની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી અને પોઝિટિવ દર્દીને હોમ આઇસોલેશનમાં રહેવાની પરવાનગી આપી હતી. આ દર્દીને ટ્રાવેલીંગ હિસ્ટ્રી પણ નહીં હોવાને કારણે આરોગ્ય તંત્ર આશ્ચર્યમાં મુકાયું છે.ગાંધીનગર શહેર અને જિલ્લામાં આઇઆઇટીના ત્રણ દર્દીઓ સાથે સેક્ટર-29ની શિક્ષિકા તથા અદાણી શાંતિગ્રામની મહિલા મળીને કુલ પાંચ એક્ટિવ કેસ છે.
અમદાવાદમાં કેટલા છે કોરોનાના કેસ
નવા આઠ કેસ સાથે અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 48 પર પહોંચી છે. નવરંગપુરા, બોડકદેવ, મણીનગર, વટવા, પાલડીમાં કોરોના સંક્રમણ વધ્યું છે. નવા નોંધાયેલા આઠ પૈકી એક દર્દીની આણંદ તો એક દર્દીની વિસનગરની ટ્રાવેલ હિસ્ટ્રી છે.