Gandhinagar: ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 27 ફેબ્રુઆરીથી શરૂ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા
ગુજરાત બોર્ડે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર, ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે
ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત બોર્ડે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર, ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે.બોર્ડની પરીક્ષા 13, માર્ચ 2025 સુધી ચાલશે. બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ GSEBની વેબસાઈટ પર મુકવામાં આવ્યો છે. 27 ફેબ્રુઆરીએ ધોરણ 10નું પ્રથમ ભાષાનું પેપર છે.
માન.મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબના નેતૃત્વ હેઠળ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨(HSC) ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર..
— Dr. Kuber Dindor (@kuberdindor) October 15, 2024
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ (SSC),… pic.twitter.com/cAe51IXMAu
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમ અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી ફેબ્રુઆરી-માર્ચ-2025માં લેવાશે. 27 ફેબ્રુઆરી 2025થી 13 માર્ચ 2025 સુધી આ પરીક્ષા યોજાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મુકવામાં આવ્યો છે.
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. દર વર્ષે બોર્ડની પરીક્ષા 15 માર્ચથી શરૂ કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે 15 દિવસ વહેલી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10ની અને 12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પણ 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી યોજાશે. જ્યારે ધોરણ 12ની સામાન્ય પ્રવાહ અને ઉ.ઉ.બુ પ્રવાહની 13 માર્ચ સુધી યોજાશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય 10થી 1.15 સુધીનો રહેશે. જ્યારે ધોરણ 12નો સમય 3થી 6.15 સુધીનો રહેશે. ધોરણ 10ના વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયોના પ્રશ્નોપત્રો 80 ગુણના રહેશે.
દરેક પ્રશ્ન પત્રમાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીને ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટેની શરૂઆતની પાંચ મિનિટ અને પ્રશ્નપત્ર વાંચવા માટે 10 મિનિટ ફાળવવામાં આવશે. અને જવાબ લખવા માટે નિયમ મુજબ 1 કલાકથી 3 કલાક સુધીનો સમય રહશે. પ્રથમ પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટર પર શરૂ થવાના 30 મિનિટ પહેલાં પહોંચવાનું રહેશે. બાકીના દિવસોએ 20 મિનિટ અગાઉ પહોંચવાનું રહેશે.
આ સાથે જ ગુજકેટ 2025ની પરીક્ષાની તારીખ પણ જાહેર કરાઈ છે. શિક્ષણ વિભાગે વર્ષ 2025 માટે રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ A-Bના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 23 માર્ચ 2025ના રવિવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજવામાં આવશે.
ગુજકેટની પરીક્ષા 23 માર્ચ 2025ના રવિવારના રોજ સવારે 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે. ગુજકેટ 2025નું આવેદનપત્ર ઓનલાઈન ભરવાની તારીખ તથા માહિતી બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે તે અંગેની જાણ અખબારી યાદી દ્વારા હવે પછીથી જાહેર કરવામાં આવશે.