Rain: ત્રણ ઈંચ વરસાદથી ગાંધીનગરમાં ખુલી પ્રશાસનની પોલ, ત્રણથી વધુ અંડરપાસ કરાયા બંધ
મધરાતે વરસેલા વરસાદમાં શહેરના ત્રણથી વધુ અંડરપાસ બંધ થયા હતા. વરસાદના વિરામના 10 કલાક બાદ પણ હજુ વરસાદી પાણી ઓસર્યા નથી.

ગાંધીનગરમાં ત્રણ ઈંચ વરસાદથી પ્રશાસનની પોલ ખુલી હતી. મધરાતે વરસેલા વરસાદમાં શહેરના ત્રણથી વધુ અંડરપાસ બંધ થયા હતા. વાવોલ, સેકટર-21 અને ઘ-4 અંડરપાસ બંધ થતા વાહનવ્યવહાર ઠપ્પ થયો હતો. વરસાદના વિરામના 10 કલાક બાદ પણ હજુ વરસાદી પાણી ઓસર્યા નથી. અનેક સેકટરોમાં મસમોટા ખાડા અને ભૂવા પડવાની ઘટનાઓ બની છે. અનેક ઠેકાણે મનપાએ ખોદેલા ખાડામાં કાર ફસાવવાની ઘટના બની હતી. વરસાદના કારણે પાણી ભરાતા અનેક સ્થળે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. મહાત્મા મંદિર નજીક અંડરપાસ પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ કરાયો હતો. ગાંધીનગરના સેકટર 24માં આવેલી જૂની પોલીસચોકી ધરાશાયી થઇ હતી. જર્જરિત પોલીસ ચોકી ધરાશાયી થતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ખ-6 સર્કલ પાસે ભૂવામાં કપચી ભરેલું ડમ્પર ફસાયું હતું.
અમદાવાદમાં પણ વરસાદના કારણે ભરાયા પાણી
અમદાવાદમાં મોડી રાતે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે પૂર્વ વિસ્તારોમાં લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. નિકોલમાં તમામ રૉડ રસ્તા પર પાણી ફરી વળ્યા જેના કારણે ઓફિસ જતા આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નારોલમાં તો રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. નારોલથી વિશાલ તરફ જતા રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. રસ્તા પર પાણીના વહેણ શરૂ થતા અનેક વાહનચાલકો અટવાયા હતા.
અમદાવાદમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં સૌથી વધારે વિરાટનગરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઓઢવ અને રામોલમાં 3.8 ઈંચ વરસાદ નોંધાયો છે. નિકોલમાં 3.7 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ કઠવાડામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મીઠાખળી અને અખબારનગર અંડર પાસ બંધ કરાયા હતા.
ગાંધીનગર શહેરમાં 2.68 ઈંચ વરસાદ વરસતા ઠેર- ઠેર પાણી- પાણી ભરાયા હતા. માણસામાં 3.3 તો દહેગામમાં 2.28 ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે અમદાવાદ-ગાંધીનગરને જોડતા હાઈવે પર પાણી ભરાયા હતા. ગાંધીનગર રેલવે સ્ટેશન પાસે આવેલો અંડરપાસ પાણીમાં ગરકાવ થયો હતો. ગાંધીનગર વાવોલને જોડતો અંડરપાસમાં પાણી ભરાઇ જતા વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો.





















