છોટાઉદેપુર: બોડેલીમાં 16 ઈંચ વરસાદ ખાબક્યો, જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી
છોટાઉદેપુરના બોડેલી પંથકમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ થઈ છે. છેલ્લા ચાર કલાકમાં જ 12 ઈંચ સહિત છેલ્લા 24 કલાકમાં કુલ 16 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો.
છોટાઉદેપુર: છોટાઉદેપુરના બોડેલી પંથકમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ થઈ છે. છેલ્લા ચાર કલાકમાં જ 12 ઈંચ સહિત છેલ્લા 24 કલાકમાં કુલ 16 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો. બોડેલીના ગોલા ગામડી ગામ બેટમાં ફેરવાયું છે. ગામ તરફ જવાના રસ્તા પર અનેક વાહનો ફસાઈ ગયા છે. કેટલાય વાહનચાલકોએ પાણી વચ્ચેથી વાહન પસાર કરવાનો પ્રયાસ કરતા વાહન બંધ થઈ ગયા છે. આ તરફ સંખેડા તરફના રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા હતાં. બોડેલી તાલુકામાં ધોધમાર વરસાદથી અકોટાદર ગામ, ખીમલીયા, મોતીપુરા ગામ, ગોપાલપુરા, મંગલભારતી અને ગોલા ગામડીના રોડ- રસ્તા જળમગ્ન થયા. આ ઉપરાંત પાનીયા ગામ પણ બેટમાં ફેરવાયું છે. હાલ સલામતીના ભાગરૂપે પોલીસે ગોલા ગામડી ચાર રસ્તાથી બોડેલી તરફ જવાનો રસ્તો બંધ કરાવી દીધો છે. હાલ પોલીસ બેરિકેડ લગાવી બોડેલી- છોટાઉદેપુર તરફ જવાના વાહનોને પરત મોકલી રહી છે.
બપોરે 12થી સાંજે 4 સુધીની વાત કરવામાં આવે તો ચાર કલાકમાં 12 ઈંચ વરસાદ વરસી ગયો છે. જેના કારણે સંખેડા ગામમાં ભાગોળ વિસ્તારથી લઇ બસ સ્ટેન્ડ સુધી જાણે રસ્તા ઉપર નદી વહેતી હોય એવાં દ્રશ્યો જોવા મળ્યા છે. સંખેડા-હાંડોદ રોડ ઉપર સુંદરવન પાસે પાણી ભરાતાં રસ્તો બંધ થયો હતો જ્યારે સંખેડા વેરાઈ માતા પાસેનો રોડ પણ બંધ થયો હતો. સંખેડા ગામની ભાગોળે કોલેજ અને જલારામ મંદિરની વચ્ચેના વિસ્તારમાં પણ ખૂબ જ પાણી ભરાયું છે.
મધ્ય ગુજરાતમાં ગઈકાલે રાતથી શરૂ થયેલો વરસાદ આજે પણ અવિરત પણે વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 4 વાગ્યા સુધી છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં અતિ ભારે વરસાદ થયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં થયો છે.
ટોકરી કોતરમાં પાણી આવી જવાથી સંખેડા હાંડોદ રોડ ઉપર સુંદરવન પાસેનો રસ્તો તેમજ વેરાઈ માતા પાસેનો રસ્તો પણ સંપૂર્ણ બંધ થઈ ગયો છે. સંખેડામાં ભારે વરસાદથી કુમાર છાત્રાલયમાં પાણી ભરાયું હતું. તમામ રૂમમાં પાણી ભરાતાં અનાજ પલળી ગયું હતું. વિદ્યાર્થીઓના રહેવાના રૂમોમાં પણ પાણી ભરાયા હતા.