Junagadh : ચાર દિવસથી ગુમ મનનની લાશ સરોવરમાંથી મળી આવી, પરિવાર શોકમાં ગરકાવ
શહેરમાંથી સગીરની લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઈ છે. નરસિંહ મહેતા સરોવરમાંથી બાવળની ઝાડીમાંથી મૃતદેહ મળ્યો છે. એન.ડી.આર.એફ. ટીમને મૃતદેહ શોધવામાં સફળતા મળી છે.
જૂનાગઢઃ શહેરમાંથી સગીરની લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઈ છે. નરસિંહ મહેતા સરોવરમાંથી બાવળની ઝાડીમાંથી મૃતદેહ મળ્યો છે. એન.ડી.આર.એફ. ટીમને મૃતદેહ શોધવામાં સફળતા મળી છે. ચાર દિવસથી મનન જોષી નામનો 15 વર્ષીય કિશોર ગુમ થયો હતો. કિશોરનો મૃતદેહ મળતાં પરીવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. ત્યારે હજુ પણ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મધ્ય ગુજરાતમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્ચમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, વડોદરા, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં ઓરેંજ એલર્ટ અપાયું છે.
રાજ્યમાં ચોમાસુ જામ્યુ છે. ત્યારે જૂન મહિનામાં સરેરાશ અઢી ઈંચ વરસાદની સામે જુલાઈના 12 દિવસમાં જ સરેરાશ 12 ઈંચ વરસાદ થયો છે. જુલાઈ સરેરાશ વરસાદની સામે અત્યાર સુધીમાં કુલ 43 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 10 દિવસમાં જ રાજ્યમાં ચોમાસાની સિઝનનો 33 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જે છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધારે છે.
તો મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી પૂરગ્રસ્ત અને સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતુ. ત્યારબાદ બોડેલી એપીએમસી પર મુખ્યમંત્રીએ પૂર પ્રભાવિત વિસ્તારની નુકસાનીનો સર્વે કરીને લોકોને મદદરૂપ થવા માટે જિલ્લા પ્રશાસન સાથે બેઠક કરીને માર્ગદર્શન પણ આપ્યુ હતુ.
લોકોના જાનમાલને નુકશાન થયું છે તેને ઝડપથી સહાય ચૂકવવા સૂચના આપી હતી. નવસારીના પૂર્ણા નદીમાં આવેલ પૂરે ભારે તારાજી સર્જી છે તેનું હવાઈ નિરીક્ષણ કરીને મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર અધિકારીઓ સાથે મળીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અતિભારે વરસાદને કારણે રાજ્યના 89 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
તો અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનમાં વરસાદી આપદાને લીધે 69 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 28 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આ્યું છે. જ્યારે 511 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે 15 સ્ટેટ હાઈવે, 12 પંચાયત કે અન્ય માર્ગો તેમજ 439 માર્ગો સુરક્ષાની દ્રષ્ટીએ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. જ્યારે કચ્છમાંથી પસાર થતો એક નેશનલ હાઈવે બંધ કરાયો છે.