(Source: ECI/ABP News/ABP Majha)
ભરૂચ શહેરમાં પોલીસની નજર હેઠળ જ ખુલ્લેઆમ વિદેશી અને દેશી દારૂ વેચાય છે, મારી પાસે 35 વીડિયો છેઃ ચૈતર વસાવા
Bharuch News: આ ગંભીર આરોપો અંગે સ્થાનિક પોલીસ અને સરકારી અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા મળી નથી.
Bharuch: આમ આદમી પાર્ટી (AAP)ના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ આજે એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે આરોપ મૂક્યો છે કે ભરૂચ શહેરમાં વિદેશી અને દેશી દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે અને આ પ્રવૃત્તિમાં સ્થાનિક પોલીસની કથિત સંડોવણી છે. વસાવાએ જણાવ્યું કે કેટલાક સ્થાનિક યુવાનોએ તેમને આ મામલે ફરિયાદ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, શહેરમાં ઉચ્ચ ગુણવત્તાનો વિદેશી દારૂ અને કેમિકલ મિશ્રિત દેશી દારૂ વેચાય છે. વધુમાં, તેમણે દાવો કર્યો કે આ ગેરકાયદેસર વ્યાપારમાં પોલીસ સહાય કરે છે અને હપ્તા ઉઘરાવે છે.
ધારાસભ્યએ જણાવ્યું કે તેમની પાસે પોલીસ દ્વારા હપ્તા લેવાના 35 જેટલા વીડિયો પુરાવા છે, જેમાં એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના અધિકારીઓ સામેલ છે. તેમણે આરોપ મૂક્યો કે આ હપ્તાનો એક ભાગ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટી (BJP) સુધી પહોંચે છે. વસાવાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. તેમણે ચેતવણી આપી કે જો સાત દિવસમાં આ મામલે કાર્યવાહી નહીં થાય તો તેઓ જનતા સાથે રસ્તા પર ઉતરશે, દારૂના ઠેકાઓ પર રેડ કરશે અને મોટા પાયે આંદોલન કરશે.
આ ગંભીર આરોપો અંગે સ્થાનિક પોલીસ અને સરકારી અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા મળી નથી. આ મામલો ચર્ચાનો વિષય બની ગયો છે અને આગામી દિવસોમાં વધુ ઘટનાક્રમ જોવા મળે તેવી શક્યતા છે.
ભાવનગરમાં PSI મહેશ રબારી ઇંગ્લિશ દારૂના ટ્રક કેસમાં સસ્પેન્ડ
ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશનના PSI મહેશ રબારીને ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી 25 જૂનના રોજ વરતેજ પોલીસ વિસ્તારમાંથી પકડાયેલા ઇંગ્લિશ દારૂના ટ્રકના કેસમાં લેવામાં આવી છે.
25 જૂનના રોજ, રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલ (વિજિલન્સ) દ્વારા વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 700 પેટીથી વધુ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, આ ટ્રક હરિયાણાના અંબાલા શહેરમાંથી ભરીને ભાવનગર લાવવામાં આવી રહ્યો હતો. જોકે, આ ઘટના બાદ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેના કારણે રાજ્યના ડીજીપીએ ગંભીર નોંધ લીધી હતી અને વિજિલન્સ દ્વારા તપાસ કરાવવામાં આવી હતી.