ACB Trap: દાહોદમાં ASI 10 હજારની લાંચ લેતા ઝડપાયા, જાણો શેની માંગી હતી લાંચ
ગાંધીનગર ACB એ લાંચ લેતા ASI તેમજ પટાવાળા ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. બંનેને દાહોદ એસીબી કચેરી ખાતે લઈ જઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Dahod News: લાંચીયા બાબુઓ સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે, તેમ છતાં ઘણા લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતાં ASI લાંચ લેતા એસીબીની છટકામાં ઝડપાયા હતા. ASI નારાયણ સંગાડા રૂ.10,000 ની લાંચ લેતા ઝડપાયા હતા. ગ્રામ્ય પોલીસ મથકમાં કરેલી અરજીના નિકાલ માટે લાંચ માંગી હતી. ગાંધીનગર ACB એ લાંચ લેતા ASI તેમજ પટાવાળા ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. બંનેને દાહોદ એસીબી કચેરી ખાતે લઈ જઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
થોડા દિવસ પહેલા આણંદમાં પણ એસીબીએ સફળ ટ્રેપ કરી હતી. આણંદ જિલ્લા પંચાયતના બાંધકામ શાખામાં ફરજ બજાવતો કોમ્પ્યુટર ઓપરેટેર નિલેશ ઠાકોર 1200 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. જ્યારે અન્ય 1 આરોપીને શોધવા ACB કામે લાગી હતી.
રેશનિંગ કાર્ડ પર સિક્કો લગાવી આપવાનું કહી રૂપિયા 1200ની લાંચ માંગવામાં આવી હતી. આ અંગે કોમ્પ્યુટર ઓપરેટરે અન્ય મળતિયા સાથે કોન્ફરન્સ કોલમાં વાત કરાવી લાંચ માંગી હતી. આણંદ બોરસદ રોડ પરની ખાનગી દુકાન પાસે લાંચ લેતા તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો, જ્યારે મળતિયા નિલેશ પરમાર નામના આરોપીને ઝડપી પાડવા ACB કામે લાગી હતી.
અમદાવાદમાં સરદારનગર ડીવીઝન-8 ના હોમગાર્ડ લાંચ લેતા ઝડપાયો હતો. આરોપી હોમગાર્ડ દશરથભાઇ અંબાલાલ ઠાકોર લાંચ લેતા ઝડપાયો હતો. સૈજપુર ટાવર પાસે SBI બેંક ના એ.ટી.એમ પાસે 2 હજાર રૂપિયાની લાંચ માંગતા તે રંગેહાથ ઝડપાયો હતો. હોમગાર્ડે અન્ન અને નાગરીક પુરવઠા નિયંત્રણની કચેરી નરોડા ઝોનમાં રેશન કાર્ડમાં નામ અલગ કરાવવા લાંચ માંગી હતી. આ કામના ફરીયાદીના એક જ રેશનકાર્ડ માં પોતાની પત્નિ તથા પોતાના પુત્ર તથા પુત્રની પત્નિ નું નામ ચાલતું હોઇ, પોતાના પુત્રનું રેશનકાર્ડ અલગ કરવા સારૂ ફરીયાદી અન્ન અને નાગરીક પુરવઠા નિયંત્રણ ની કચેરી નરોડા ઝોન, કુબેરનગર કચેરીએ ગયા હતા. જ્યાં આ કામના આક્ષેપિતને રૂબરૂમાં મળ્યા હતા અને તેમને રેશનકાર્ડ અલગ કરી આપવા પેટે રૂ.૨,૦૦૦ ની લાંચ માંગી હતી. તેઓ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી નો સંપર્ક કર્યો હતો. જેના આધારે લાચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને લાંચના છટકા દરમિયાન પંચની હાજરીમાં આક્ષેપિતે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારી પકડાયો હતો. આરોપીને ડિટેઇન કરી આગળન કાર્યવાહી કરવામાં આવી હતી.