10 થી 12 ઇંચ સુધી વરસાદ ખાબકશે, ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી સમય માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી સમય માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમના અનુમાન મુજબ, આગામી 48 કલાકમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું વાતાવરણ રહેશે. 17 થી 22 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, અને કેટલાક વિસ્તારોમાં 10 થી 12 ઇંચ સુધી વરસાદ પડવાની પણ શક્યતા છે.
બંગાળની ખાડીમાંથી આવતી વરસાદી સિસ્ટમને કારણે કચ્છમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ વરસાદ કૃષિ માટે અત્યંત ફાયદાકારક રહેશે તેવું પણ તેમનું કહેવું છે. અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદને લઈ આ આગાહી કરવામાં આવી છે.
17 થી 22 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધશે
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી 48 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થશે. ખાસ કરીને, 17 થી 22 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધશે. આ સમયગાળામાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
ભારે વરસાદના કારણે નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થશે અને નર્મદા નદી બે કાંઠે વહે તેવી શક્યતા છે. આ ઉપરાંત, તાપી અને સાબરમતી નદીઓમાં પણ પાણીની આવકમાં વધારો થઈ શકે છે. સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.
આગામી 5 દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સાથે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધી શકે છે.
ગુજરાતમાં 16થી 18 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતી કાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 15 અને 16 તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી લઈ હળવો વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.11 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.47 ટકા, પૂર્વ મધ્યમાં 64.87 ટકા, સૌરાષ્ટ્રમાં 55. 11 ટકા વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ 82.91 ટકા ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 67.97 ટકા પાણીનો સંગ્રહ થયો છે.





















