Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની માહોલ રહેશે.

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની માહોલ રહેશે. રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે વરસશે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર નહીં થાય
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના પવન ફૂંકાતા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર નહીં થાય. અમદાવાદમાં તાપમાન 41.0 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.
ચોમાસું ક્યારે આવશે?
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે, દક્ષિણપશ્ચિમ ચોમાસું 12 થી 18 જૂનની વચ્ચે શરૂ થઈ શકે છે. IMD ના એક અધિકારીએ જણાવ્યું હતું કે 12-13 જૂનના રોજ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની શકે છે. જોકે, વિવિધ મોડેલોને કારણે હજુ પણ કેટલીક અનિશ્ચિતતાઓ છે. કેટલાક નિષ્ણાત સિસ્ટમ બનવા માટે આશાવાદી છે તો કેટલાક નથી.
IMD મધ્ય ભારત, મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં (જ્યાં ચોમાસુ પહેલેથી જ આવી ગયું છે) સારા વરસાદની અપેક્ષા રાખે છે. ચોમાસાની ધીમી પ્રગતિને કારણે દુષ્કાળનો સામનો કરી રહેલા વિસ્તારો માટે આ આગાહી આશાનું કિરણ લઈને આવી છે.
IMD અધિકારીના જણાવ્યા અનુસાર, પશ્ચિમી પવનોના મજબૂત થવાને કારણે અને પશ્ચિમ કિનારા પર ઓફ-શોર ટ્રફ બનવાની શક્યતાને કારણે, દક્ષિણ દ્વીપકલ્પ અને નજીકના મધ્ય ભારતના ઘણા ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે વ્યાપકથી ખૂબ જ વ્યાપક વરસાદની સંભાવના છે.
સ્કાયમેટ એજન્સી શું કહે છે ?
ખાનગી હવામાન આગાહી એજન્સી સ્કાયમેટ વેધર સર્વિસે બંગાળની ખાડીમાં ચોમાસાની સિસ્ટમ બનવાની શક્યતા વધુ હોવાનું અનુમાન લગાવ્યું છે. સ્કાયમેટના ચેરમેન જી.પી. શર્માએ જણાવ્યું હતું કે, 10 જૂન સુધીમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં એક પૂર્વવર્તી ચક્રવાતી પરિભ્રમણ વિકસિત થવાની ધારણા છે. આ સિસ્ટમ 11 જૂનથી દરિયાકાંઠે મોનસૂન એક્ટિવિટી શરૂ કરે તેવી શક્યતા છે. આ હવામાન સિસ્ટમ તેના સામાન્ય માર્ગથી થોડી દક્ષિણ તરફ આગળ વધીને આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી પસાર થઈ શકે છે. સ્કાયમેટે આગાહી કરી છે કે ચોમાસાના ફરી આગળ વધવાની ધારણા 12 થી 17 જૂન સુધી રહેશે, જે દક્ષિણ દ્વીપકલ્પ ભારતના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. ગુજરાતમાં પણ ચોમાસું 12 કે 13 જૂન બાદ દસ્તક દે તેવી શક્યતા છે.





















