ભારે વરસાદ અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો શું કહ્યું ?
10, 11 મે સુધીમાં રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 30 એપ્રિલથી પ્રિ મોન્સૂન એક્ટીવીટી શરૂ થવાની શક્યતા છે. 10, 11 મે સુધીમાં રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. આ દરમિયાન ભારે પવનથી બાગાયતી પાકોને અસર થવાની પણ શક્યતા છે. 30 એપ્રિલથી 11 મે સુધીમાં રાજ્યનાં ઘણા ભાગોમાં પ્રિ મોન્સૂન વરસાદ થવાની શક્યતા છે. ત્રીજી મેથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે
રાજ્યના મોટા ભાગમાં ભારે પવન ફૂંકાશે
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યના મોટા ભાગમાં ભારે પવન ફૂંકાશે અને બાગાયતી પાકને નુકશાન થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. આંબાના મોર ખરવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. હાલ તો સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં આગામી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. આગ વરસાવતી ગરમીમાં ગુજરાત શેકાઈ રહ્યું છે. રાજકોટ, અમદાવાદમાં આકાશમાંથી અગનવર્ષા વરસી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગરમી અને હીટવેવને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર છે. સૂર્યના પ્રકોપના કારણે રસ્તાઓ સૂમસામ બન્યા છે. અમદાવાદમાં આજે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે.
હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં પાંચ દિવસ ગરમીનું યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી અમદાવાદ શહેરમાં ગરમીનો પ્રકોપ વધવાનો છે. લોકોએ કામ વગર ઘરની બહાર નિકળવાનું ટાળવું જોઈએ.
દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો હતો
દક્ષિણ ગુજરાતમાં છુટછવાયો વરસાદ થતાં બફારો અને ઉકળાટની સ્થિતિ વધી છે. નવસારી અને વલસાડ જિલ્લામાં છુટછવાયો કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પાર વધવાની આગાહી કરાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે.
ગોંડલ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો
અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઉઠેલા રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકના વાતાવરણમાં શનિવારે અચાનક પલટો આવ્યો હતો. ભર ઉનાળે વાતાવરણમાં આવેલા બદલાવના પગલે કેટલાક ગામોમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા, જેના કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રવર્તી રહી છે.





















