વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ
આજથી હવામાનમાં પલટો આવશે. વરસાદનું જોર વધવાની અંબાલાલ પટેલે આગાહી કરી હતી.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. 25થી 26 તારીખ સુધી સ્પષ્ટ થશે વાવાઝોડું આવશે કે નહી. હજુ આ સિસ્ટમ મુંબઈ-ગોવાની આસપાસ છે. હવાના દબાણમાં વધઘટ થઇ રહી છે. 26 કે 27 તારીખ સુધી વાવાઝોડાનો ટ્રેક નક્કી થશે. આજથી હવામાનમાં પલટો આવશે. વરસાદનું જોર વધવાની અંબાલાલ પટેલે આગાહી કરી હતી.
તેમણે કહ્યું હતું કે અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોન બની રહ્યું છે. વાવાઝોડું બનશે કે નહી તે 26 કે 27 તારીખ સુધી નક્કી થશે. હાલમાં કેટલાક વિસ્તારોમાં 65થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ધીમે ધીમે સમુદ્રમાં 100 કિમીની આસપાસ પવન ફૂંકાશે. મુંબઈની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકશે. વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે.
અંબાલાલ પટેલે કહ્યું હતું કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસશે. જૂનાગઢ, ભાવનગર, અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. આ સિસ્ટમ વાવાઝોડું બને કે ન બને પણ ભારે વરસાદ લઈને આવશે. એન્ટી સાયક્લોન સિસ્ટમ વાવાઝોડાને દરિયામાં ધકેલી રહી છે. દરિયામાં હવાનું દબાણ સતત બદલાતું રહે છે. લો પ્રેશરના કારણે ગુજરાતમાં 31 મે સુધી પવન સાથે વરસાદ રહેશે. લો પ્રેશરના કારણે ગુજરાતમાં 31મી મે સુધી વરસાદ અને તેજ પવન રહેશે. હાલ વાવાઝોડુ મુંબઈ અને ગોવા વચ્ચે છે. હાલ દરિયામાં પવનની ગતિ 65થી 70 કિલોમીટર પ્રતિ કલાકની છે
હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, તાપી, ડાંગમાં પણ ગાજવીજ સાથે ભેર વરસાદનું અનુમાન છે. સાથે જ દીવ, દીમણ અને દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વાવાઝોડાને લઇને સરકાર સતર્ક
સંભવિત વાવાઝોડાને લઈ રાજ્ય સરકાર સતર્ક બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી પ્રશાસસને સતર્ક અને સજાગ રહેવા કહ્યું છે. સાથે જ 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવા સૂચના આપી અને તકેદારીના ભાગરૂપે જરૂરી પગલા લેવા અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી તાકીદ કરી છે. તો આ તરફ સુરતમાં કંન્ટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જે કન્ટ્રોલ રૂમથી તમામ જિલ્લા પર નજર રાખવામાં આવશે. સાથે જ વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથે સલામતી પગલા ભરવા સૂચના આપી શકાય તે માટે કન્ટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે.





















