Rain Forecast: સૌરાષ્ટ્ર માટે આજનો દિવસ ભારે, મૂશળધાર વરસાદની અંબાલાલ પટેલે આપી ચેતવણી
Rain Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. ગઇકાલ સાંજથી સૌરાષ્ટ્રને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે. જાણીએ વધુ વિગત

Rain Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. બંગાળી ખાડીમાં સર્જાયેલી પ્રબળ સિસ્ટમ વધુ મજબૂત બની છે અને મહારાષ્ટ્ર પરથી થઇને ગુજરાત પરથી પસાર થઇ રહી છે. જેની અસરથી ગુજરાતમાં 2 ઓક્ટોબર સુધી ભારે સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. અંબાલાલ પટેલે આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અંબાલાલ પટેલે એલર્ટ જાહેર કર્યું છે. જૂનાગઢ, અમરેલી, પોરબંદર, દ્વારકા, જામનગર, ખંભાળિયા, જોડિયામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. અંબાલાલ પટેલે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર સિવાય કચ્છના વિસ્તારને પણ આજે મેઘરાજા ઘમરોળશે. અંબાલલા પટેલના આંકલન મુજબ આજે અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. જેના કારણે રાત્રે ગરબાના રંગમાં ભંગ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યું છે. અંબાલાલના આંકલન મુજબ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને પંચમહાલના ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે.આવતીકાલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં 4થી 5 તારીખ આસપાસ એક સિસ્ટમ બનશે,આ સિસ્ટમથી ગુજરાતના કેટલાક ભાગો હળવો વરસાદ વરસશે. 7 ઓક્ટો.થી પશ્ચિમની હવાનું જોર પકડતા ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેશે.
હવામાન વિભાગની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પર પહોંચતા રાજયમાં અતિભારે વરસાદનો દૌર શરૂ થયો છે. આ સિસ્ટમ કાલે દક્ષિણ ગુજરાતમાં પહોંચતા ગઇકાલથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની અંદાજમાં એન્ટ્રી કરી હતી. સુરત, વલસાડ, નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો. આ સિસ્ટમની અસરથી ગઇકાલ બપોર બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘાવી માહોલ જામ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં કેટલીક જગ્યાએ ગરબાનું આયોજન રદ કરવામાં આન્યું હતું. આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં આગામી 2 ઓક્ટોબર સુધી સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમ આગળ જતાં અરબી સમુદ્રમાં ગયા બાદ વધુ મજબૂત બને તેવી પણ એક શક્યતા છે. જો આ સિસ્ટમ વધુ મજબૂત બનશે તો વાવાઝડું પણ સર્જાઇ શકે છે. જો કે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચતા જ ઓમાન તરફ ફંટાઇ જશે જેથી આપણા માટે વાવાઝોડાનો ખતરો નથી. જો કે આ સિસ્ટમની અસરથી ગઇકાલથી જ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઇ ગઇ છે. આ સિસ્ટમની અસર સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને થશે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ વરસશે. આ સિવાય દિવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ખેડા,આણંદમાં પણ ભારે વરસાદ વરસશે.





















