News: રાજુલાના ખેરમાં દરિયાઈ પાણીથી થતું ધોવાણ અટકાવવા ૮૧૧ લાખના ખર્ચે દિવાલ બનાવાઈ, -મંત્રી મુકેશ પટેલ
મંત્રીએ વધુ વિગતો આપતા ઉમેર્યું કે, રાજુલા તાલુકાના ખેર ગામે દરિયાઈ પાણીથી થતું ધોવાણ-નુકસાન અટકાવવા માટે દિવાલ બનાવવામાં આવી છે
ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં રાજુલાના ધારાસભ્ય દ્વારા દરિયાઈ પાણીથી થતા નુકસાન અટકાવવા તૈયાર કરાયેલી દીવાલ અંગે જળ સંપત્તિ મંત્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેનો પ્રત્યુત્તર આપતા જળ સંપતિ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, દરિયાઈ પાણીથી થતા ધોવાણ અને નુકસાનને અટકાવવા માટેની આ યોજના હેઠળ સેન્ટ્રલ વૉટર એન્ડ પાવર રિસર્ચ સ્ટેશન-પુને દ્વારા તૈયાર કરાયેલી ડિઝાઇન મુજબ મુખ્યત્વે ૧૦ થી ૬૦૦ કિલોગ્રામ વજનના રબલ સ્ટોન પર આર્મર લેયર તરીકે ૧ ટન વજનના કૉન્ક્રીટ ટેટ્રાપોડ્સને ઇન્ટરલોકિંગ કરવામાં આવે છે. આર્મરલેયર તરીકે કોન્ક્રીટ ટેટ્રાપોડ્સનો ઉપયોગ કરવાથી વધુ સારું ઇન્ટરલોકિંગ તેમજ સસ્ટેનેબિલિટી વધુ મળવાથી દરિયાઈ ધોવાણ અટકાવી શકાય છે.
મંત્રીએ વધુ વિગતો આપતા ઉમેર્યું કે, રાજુલા તાલુકાના ખેર ગામે દરિયાઈ પાણીથી થતું ધોવાણ-નુકસાન અટકાવવા માટે દિવાલ બનાવવામાં આવી છે. આ દીવાલ માટે માર્ચ-૨૦૧૯માં વહીવટી તેમજ સપ્ટેમ્બર-૨૦૨૦માં તાંત્રિક મંજૂરી આપવામાં આવી હતી. આ દિવાલ બનાવવાની કામગીરી ૮૧૧ લાખથી વધુના ખર્ચે ડિસેમ્બર-૨૦૨૩માં પૂર્ણ કરવામાં આવી છે.
મંત્રી પટેલ ઉમેર્યું કે, આ યોજનાથી રાજુલા તાલુકાના ખેર ગામમાં આશરે ૧૫૦ જેટલા મકાનો, અંદાજે ૩૦ હેકટર ખેતીની જમીન તેમજ અંદાજીત ૬૩૦ મીટર લંબાઈમાં - દરિયાઈ સપાટીથી અંદાજે ૭ મીટરની ઊંચાઈમાં દરિયાઈ ધોવાણ સામે રક્ષણ મળશે. રાજુલા તાલુકાના ખેરા ગામની દરિયાઈ સીમામાં ધોવણ અટકાવવા ૧૬૮૦ મીટરની લંબાઈના કામ માટે ૨૨ કરોડના ખર્ચે ખેરા ફેઝ-૨ની કામગીરીને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
રાજુલા તાલુકાના ખેરા ગામમાં સૂચિત ખેરા ફેઝ-૨નાં કામથી અંદાજે ૬૦ હેકટર ખેતીની જમીન અને અંદાજે ૨૦૦ રહેણાંક મકાનોને દરિયાઈ ધોવણથી રક્ષણ મળશે, તેમ તેમણે ઉમેર્યું હતું.