રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ખાલી પડેલી 10 હજારથી વધુ જગ્યા પર થશે ટૂંક સમયમાં જ શિક્ષકોની ભરતી
ગાંધીનગર: રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કરતાં શિક્ષકોની મોટાપાયે ભરતીની જાહેરાત કરી છે, રાજ્યમાં કુલ 10,700 ખાલી પડેલી દરેક જગ્યા પર ટૂંક સમયમાં જ સરકાર દ્રારા ભરતી કરાશે

ગાંધીનગર: ગુજરાત સરકારે શિક્ષકોની ભરતીને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી ખાલી પડેલી શિક્ષકોની જગ્યા પર હવે મોટાપાયે ભરતી થશે, સરકારે 10,700 જગ્યા પર શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. 2230 જુના શિક્ષકોની શાળા ફાળવણી અને નિમણૂક હુકમોની પ્રક્રિયા પૂર્ણ થતાં સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર 3187 ખાલી પડતી જગ્યાઓ શિક્ષક સહાયકથી ભરવાની મંજૂરી આપી છે. હાલમાં ચાલતી ભરતીમાં ઉમેરો કરી કુલ 10,700 જગ્યા માટે ભરતી કરવામાં આવશે.,ૉ
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 2230 જેટલા જૂના શિક્ષકોની શાળા ફાળવણી અને નિમણૂક હુકમોની પ્રક્રિયાને પૂર્ણ કરી દીધી છે. આ શિક્ષકોને ટૂંક સમયમાં તેમની નિયુક્તિના આદેશો મળી જશે. આ ઉપરાંત, સરકારે 3187 નવી ખાલી પડતી જગ્યાઓને શિક્ષણ સહાયક દ્વારા ભરવાની પણ મંજૂરી આપી છે.
મહત્વની વાત એ છે કે હાલમાં રાજ્યમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી આ ભરતી પ્રક્રિયામાં વધુ જગ્યાઓનો ઉમેરો થશે. જેના પરિણામે હવે રાજ્યમાં કુલ 10,700 જેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ નિર્ણય ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર માટે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે, કારણ કે તેનાથી શિક્ષકોની ઘટની સમસ્યાને દૂર કરવામાં મદદ મળશે અને શાળાઓમાં શિક્ષણ કાર્ય વધુ સુચારુ રીતે ચાલી શકશે.
સરકારના આ નિર્ણયથી શિક્ષણ સહાયકોની રાહ જોઈ રહેલા યુવાનો માટે પણ રોજગારીની નવી તકો ઊભી થશે. શિક્ષણ વિભાગ ટૂંક સમયમાં આ નવી ભરતી પ્રક્રિયા અંગેની વિગતવાર માહિતી જાહેર કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આ નિર્ણયને શિક્ષણ જગતના લોકોએ આવકાર્યો છે અને આશા વ્યક્ત કરી છે કે તેનાથી રાજ્યના શિક્ષણ સ્તરમાં સુધારો આવશે.
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી 10 વર્ષ માટેનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. આ કેલેન્ડર મુજબ રાજ્યમાં વર્ગ 1, 2 અને 3ની કુલ 94 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર હતી. જો કે, આ ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટેડ શાળાઓમાં થનારી ભરતી અંગે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો, જેના કારણે રાજ્યના શાળા સંચાલક મંડળમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી. સંચાલક મંડળનું માનવું હતું કે ગ્રાન્ટેડ શાળાઓમાં સ્ટાફની ભરતી વિના શાળાઓનું સંચાલન કરવું ખૂબ જ મુશ્કેલ બન્યું હોત. આ અંગે શિક્ષણ વિભાગને લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી.
શિક્ષણ વિભાગ દ્વારા 13 માર્ચના રોજ જાહેર કરવામાં આવેલા આ ભરતી કેલેન્ડરમાં આગામી 10 વર્ષમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં 94,000 જેટલી ભરતીઓ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયામાં પ્રાથમિક શિક્ષણ, કમિશનરેટ ઓફ સ્કૂલ્સ, GCERT, GHSEB, NCC અને ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્ર જેવા વિભાગોમાં પ્રિન્સિપાલ, પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક સહિતની વર્ગ 1, 2 અને 3ની જગ્યાઓનો સમાવેશ થતો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
