Bypoll: વિસાવદરમાં પાટીદારોના જંગની શક્યતા, ભાજપે મેદાન મારવા ચાર મોટા નેતાને જવાબદારી સોંપી
Visavadar Assembly Bypolls: જુનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરથી મોટુ અપડેટ સામે આવ્યું છે, જૂનાગઢની વિસાવદર બેઠક પરની પેટા ચૂંટણીને લઇને માહોલ ગરમાયો છે

Visavadar Assembly Bypolls: ગુજરાતમાં આગામી મહિને બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાશે, આ માટે 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને પરિણામો જાહેર થશે. ભાજપે વિસાવદરની બેઠક કબજે કરવા માટે જોરદાર કવાયત હાથ ધરી છે, આજે ચાર મોટા નેતાઓને જવાબદારી સોંપી છે, જેમાં જગદીશ પંચાલ, રાઘવજી પટેલ, હીરા સોલંકી, કુંવરજી બાવળિયાને મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે નક્કી પાટીદારો વચ્ચે આ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે, જોકે, બીજી હકીકત એ છે કે, વિસાવદરના લોકો છેલ્લા દોઢ દાયકાથી આ બેઠક પર જે ધારાસભ્ય ચૂંટે છે તે હંમેશા વિપક્ષની પાટલીમાં બેસી જાય છે.
જુનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરથી મોટુ અપડેટ સામે આવ્યું છે, જૂનાગઢની વિસાવદર બેઠક પરની પેટા ચૂંટણીને લઇને માહોલ ગરમાયો છે, આ બેઠક જીતવા ભાજપે ત્રણ મંત્રીને મેદાનમાં ઉતાર્યા છે, ભાજપે આજે પાર્ટીના સીનિયર નેતા જગદીશ પંચાલ, રાઘવજી પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે, આ ઉપરાંત હીરાભાઈ સોલંકી અને કુંવરજી બાવળિયાને પણ વિસાવદરની જવાબદારી સોંપાઇ છે. સમાચાર છે કે, વિસાવદરમાં ભાજપ પાટીદાર આગેવાનને ચૂંટણી જંગમાં ઉતારે તેવી શક્યતા છે, તો વળી, કોંગ્રેસ પણ પાટીદાર આગેવાન પસંદગીનો કળશ ઢોળી શકે છે. આપે પહેલાથી જ પાટીદાર નેતા ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારી દીધા છે, અને ચૂંટણી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે.
વિસાવદર અને કડી વિધાનસભા પર પેટાચૂંટણી
ગુજરાત વિધાનસભાની બે ખાલી પડેલી બેઠકો, વિસાવદર અને કડી, માટે પેટાચૂંટણીની તારીખ જાહેર થઈ હતી. ચૂંટણી પંચે ૧૯ જૂને આ બંને બેઠકો પર મતદાન યોજાશે તેવી જાહેરાત કરી હતી. ફોર્મ ભરવાની પ્રક્રિયા ૨૬ મેથી શરૂ થઈ હતી, અને ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ ૨ જૂન હતો. આ પેટાચૂંટણીના પરિણામો ૨૩ જૂને જાહેર થયા હતા.
નોંધનીય છે કે, ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા વિસાવદરની વિધાનસભા બેઠક ખાલી પડી હતી. જ્યારે કરશન સોલંકીના નિધનથી કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી.
આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાને મેદાનમાં ઉતાર્યા હતા. કડીમાં ઉમેદવાર ઉતારવા કે નહીં તે અંગે AAP ની બેઠક યોજાઈ હતી. AAP નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, કડીમાં ઉમેદવાર ઉતારવા કે નહીં તે અંગે બેઠક કરીને બે દિવસમાં નિર્ણય લેવાશે.
ઉલ્લેખનીય છે કે, હર્ષદ રિબડિયાએ અરજી કરતા વિસાવદરની પેટાચૂંટણી થોડા સમય માટે અટવાઈ હતી. વિસાવદરમાં ત્રિપાંખિયો જંગ નિશ્ચિત હતો, જેમાં AAP, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. કોંગ્રેસ અને AAP એ ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી હતી. આ બધાની વચ્ચે હર્ષદભાઈ રિબડિયાએ મોટું નિવેદન આપ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે, જો પાર્ટી તેમને ટિકિટ આપે તો તેઓ સંપૂર્ણપણે તૈયાર છે અને તેમણે આ બેઠક પર ભાજપની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.





















