બોટાદના ઢસામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાંનો વીડિયો વાયરલ, ફરિયાદ નોંધાઈ
Dhasa News: આ ઘટનાનો વીડિયો સામે આવતાં વિદ્યાર્થિનીના વાલીએ ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
- ગામલોકોએ રસ્તા પર આવી ચક્કાજામ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
- આક્રોશિત લોકોએ શિક્ષક સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી.
- ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કરીને સત્તાધીશોનું ધ્યાન દોર્યું હતું.
- લોકોની માગણી છે કે આરોપી શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
Botad News: બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ઢસા પ્રાથમિક શાળાના એક શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાં કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, ઢસા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આનંદકુમાર જાની નામના શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવતાં વિદ્યાર્થિનીના વાલીએ ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી શિક્ષકને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી જોવા મળી રહી છે. લોકો દ્વારા હવસખોર શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, આનંદકુમાર જાની 2019થી આ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો.
સમાજના આગેવાનો અને શિક્ષણવિદોએ શિક્ષણ વિભાગને જાગૃત થવા અને આવા શિક્ષકો સામે કડક પગલાં લેવા અપીલ કરી છે. ગુરુ શિષ્યના પવિત્ર સંબંધ પર કલંક લગાવનાર આવા શિક્ષકોને યોગ્ય પાઠ ભણાવવાની માંગ ઉઠી છે.
આ ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. બોટાદ જિલ્લાના ઢસા ગામમાં એક શિક્ષકની કથિત કરતૂત સામે ગ્રામજનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તા પર આવી શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી કરી હતી.
રાજ્ય સરકારમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ ઘટના નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ એક શરમજનક ઘટના છે. શિક્ષક સામે દાખલારૂપ કાર્યવાહી કરાશે. મેં એસપી સાથે વાત કરી છે.
આ પણ વાંચોઃ