Gujarat Cold: પહાડી વિસ્તારમાં હિમવર્ષાને લઈ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો
ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં હિમવર્ષાને લઈ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યના 22 શહેરોમાં તપમાનનો પારો 20 ડીગ્રીથી નીચે નોંધાયો છે.
ગાંધીનગર: ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં હિમવર્ષાને લઈ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યના 22 શહેરોમાં તપમાનનો પારો 20 ડીગ્રીથી નીચે નોંધાયો છે. કચ્છના નલિયામાં તાપમાન 9 ડિગ્રીએ પહોંચતા લોકોએ તાપણા અને ગરમ વસ્ત્રોનો સહારો લીધો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ વરસાદની કોઈ જ સંભાવના નથી.
રાજકોટ અને પોરબંદરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. ત્રણ દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. ઠંડા પવનોના કારણે દિવસે પણ ઠંડી અનુભવાઈ રહી છે.
રાજ્યમાં સતત ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. રવિવારે 15 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 7 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની કોઇ શક્યતા નથી. જો કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી કરી હતી કે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. અંબાલાલ પટેલના મતે અરબ સાગરમાં વાવાઝોડું ઉદભવશે. જોકે આ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ જશે. પરંતુ 14 થી 20 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં માવઠું પડશે.
દેશમાં કેવું રહેશે હવામાન
દેશભરમાં વધી રહેલી ઠંડી બાદ હવામાનનો મિજાજ બદલાવા લાગ્યો છે. ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થયો છે, જ્યારે દક્ષિણમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપ, કર્ણાટકમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપ આગામી દિવસોમાં પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરશે, ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા હિમવર્ષા અને વરસાદ થશે. ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.
સ્કાયમેટ વેધર અનુસાર આગામી 24 કલાકમાં તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં કેટલીક જગ્યાએ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત કોસ્ટલ કર્ણાટક અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉપરાંત, પૂર્વોત્તર ભારત, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને આંધ્રપ્રદેશમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરપૂર્વ ભારતમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ થઈ શકે છે.