Loksabha Election 2024: ગુજરાત કૉંગ્રેસના નેતાએ કહ્યું,'ભાજપના વળતા પાણી, ગભરાઈને ઉમેદવારો હટાવવા આદેશ કર્યો'
ગુજરાતના રાજકારણને લઇ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભાજપના બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી છે.
ગાંધીનગર: ગુજરાતના રાજકારણને લઇ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભાજપના બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી છે. વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઈનકાર કરતા કૉંગ્રેસ દ્વારા ભાજપ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. ભાજપના ઉમેદવારોએ અંગત કારણોસર ચૂંટણી લડવાની પાડી ના પાડી હોવાનું સામે આવ્યું છે.
કૉંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ કહ્યું કે, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ 26 બેઠકો 5 લાખની લીડથી જીતવાની વાતો કરી રહ્યા છે, બીજી તરફ ઉમેદવારો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વળતા પાણી જોવા મળી રહ્યા છે.
તુષાર ચૌધરીએ વધુમાં કહ્યું કેપીછેહઠ કરનાર બંને ઉમેદવારોના સોશિયલ મીડિયામાં શબ્દો એક સરખા છે. ઉમેદવારો હટ્યા નથી પરંતુ ભાજપે ગભરાઈને હટાવવા માટે આદેશ કર્યા છે. ભાજપને કૉંગ્રેસ યુક્ત ભાજપ બનાવી આયાતીઓને મોટા હોદ્દાઓ આપવામાં આવી રહ્યા છે. ભાજપના કાર્યકરોની ઈચ્છાઓ પૂરી નહિ થતા આક્રોશ બહાર આવવાની શરૂઆત થઈ છે. ભાજપ આક્રોશને અટકાવશે નહી તો આગામી સમયમાં આક્રોશ વિસ્ફોટમાં પરિણમશે. કૉંગ્રેસના ઉમેદવાર જ એટલા પાવરફુલ છે આજે ભીખાજી એ ચૂંટણી લડવાની ના પાડી છે. કાલે બીજા કોઈ આવે તે પણ કદાચ હટી જાય તો નવાઈ નહી.
વડોદરા લોકસભા ચૂંટણીમાં ભાજપનું મેન્ડેટ મળ્યા બાદ કેમ ચૂંટણી મેદાન અચાનક છોડ્યુ તે અંગે રંજનબેન ભટ્ટે મોટો દાવો કર્યો છે કે, મે જાતે જ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. પક્ષના કહેવાથી નહીં, મારી મરજીથી ચૂંટણી નહીં લડું, મારી બદનામીથી મે ઉમેદવારી પરત ખેંચી છે. મારે હવે ચૂંટણી નથી લડવી. છેલ્લા 10 દિવસથી મારી બદનામી થઈ રહી છે. ભરત શાહે મને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. PMએ 10 વર્ષ વડોદરાની જનતાની સેવા કરવાની તક આપી, જે કઈ ચાલી રહ્યું હતું તે બધા જાણે છે. ચૂંટણી નહીં લડવાનો મે નિર્ણય કર્યો છે. મારા લોકોએ મને ખુબ જ પ્રેમ કર્યો છે. મને પાર્ટીએ ચૂંટણી નહીં લડવાનું કહ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, વડોદરા લોકસભા બેઠક માટે આ પહેલા હાથ ધરાયેલી સેન્સની પ્રક્રિયામાં કેટલાક ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી હતી. જોકે, પાર્ટીએ અંતે ચાલુ સાંસદ રંજનબેન ભટ્ટને ટિકીટ આપી હતી.