ભાજપની 'જન આર્શીવાદ યાત્રા' સામે કૉંગ્રેસ કાઢશે 'કોવિડ-19' ન્યાય યાત્રા, જાણો તમામ વિગતો
રાજ્યમાં ભાજપના કેન્દ્રીય અને રાજ્યના મંત્રીઓની 'જન આશીર્વાદ યાત્રા' સામે કૉંગ્રેસે કોવિડ -19 ન્યાય યાત્રા અભિયાન શરૂ કર્યું. 16 ઓગષ્ટથી આગામી બે મહિના સુધી આ ન્યાય યાત્રા ગુજરાતના ગામડાઓ સુધી જશે.
અમદાવાદ: રાજ્યમાં ભાજપના કેન્દ્રીય અને રાજ્યના મંત્રીઓની 'જન આશીર્વાદ યાત્રા' સામે ગુજરાત કૉંગ્રેસે કોવિડ -19 ન્યાય યાત્રા અભિયાન શરૂ કર્યું છે. જેમાં 16 ઓગષ્ટથી આગામી બે મહિના સુધી આ ન્યાય યાત્રા ગુજરાતના 18 હજાર ગામડાઓ સુધી જશે. જેમાં કોવિડ દરમિયાન લોકોને થયેલી વેદનાઓને ન્યાય યાત્રાના માધ્યમથી ઉજાગર કરીને ન્યાય અપાવવાનો પ્રયાસ કરશે. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે કોંગ્રેસ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષ નેતાની આગેવાનીમાં ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખની હાજરીમાં બેઠક મળી હતી. કોંગ્રેસે જન આર્શિવાદ યાત્રા સામે કોવિડ ન્યાય યાત્રાની જાહેરાત કરી હતી.
કોંગ્રેસ પાર્ટી કોવિડ19ના આ મુદ્દાને ભુલાવવા દેવા નથી માંગતી. આ આગાઉ પણ રાજ્ય સરકારના 9 દિવસના સફળતાના પાંચ વર્ષની ઉજવણી સામે પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. કોરોના પીડિત પરિવારોને આર્થિક સહાય અને ખાનગી હોસ્પિટલોમાં ખર્ચાયેલા પરિવારોને રૂપિયા પરત મળે એ માટેની પણ માંગ કરશે.
૧ કોરોના પીડિતોના પરિવારજનોને ૪ લાખની સહાયની માંગણી કરાશે.
૨ કોરોના કાળમાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીના પરિવારના સભ્યને રહેમરાહ હેઠળ સરકારી નોકરી આપવી એવી માંગણી..
૩ સરકાર દ્વારા કોરોનામાં સરકારી ખર્ચે સારવાર ના મળી શકી હોય તેવા મધ્યમ અને ગરીબ પરિવારના સભ્યોના પ્રાઇવેટ હોસ્પિટલના બિલ ચુકવણી રૂપાણી સરકાર દ્વારા થાય.
૪ કોરોના મહામારીમાં ગુજરાત સરકારની બેદરકારીથી મૃત્યુ પામેલા લોકોની સાચી માહિતી મેળવી ઉપરોક્ત બાબતે ન્યાયિક તપાસ થાય.
કૉંગ્રેસના નેતાઓ દ્વારા જણાવાયું કે, કોંગ્રેસ તમામ પરિવારના ડેટા તૈયાર કરી સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરવા માટે સોશિયલ માધ્યમથી કોરોના કોવિડ વર્ચ્યુઅલ મેમોરિયલ બનાવશે. ભાજપ સરકાર સંપૂર્ણ રીતે કોવિડ મહામારીની કામગીરી કરવા નિષ્ફળ રહી છે. આરોગ્ય સેવા ઉભી કરવાના બદલે સરકારે માત્ર થાળી, દિવડા કરી ઉજવણી કરી છે. અમારો કાર્યક્રમ રાજકીય નહીં પણ સામાજિક છે, કોંગ્રેસ સત્તા નહીં પણ જન સેવા માટે છે.
રાજ્યની 50 તાલુકા પંચાયત, 156 નગરપાલિકા અને 8 મહાનગર પાલિકામાં અભિયાન ચલાવશે. ભાજપની જન આશીર્વાદ યાત્રા સામે કોવિડ ન્યાય યાત્રા કરી કોંગ્રેસે 2022 વિધાનસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.