ગીર સોમનાથના કલેક્ટર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ? દીનુભાઈ સોલંકીના આરોપોથી ખળભળાટ
જાહેર મંચ પરથી દીનુભાઈના ગંભીર આરોપ: કલેક્ટર દિગ્વિજયસિંહની મહમૂદ ગઝની સાથે સરખામણી, ભ્રષ્ટાચારના 14 મુદ્દાઓ રજૂ.

Dinubhai Solanki corruption allegation: પૂર્વ સાંસદ અને રાજકીય નેતા દીનુભાઈ સોલંકીએ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂકીને ખળભળાટ મચાવી દીધો છે. જાહેર મંચ પરથી દીનુભાઈ સોલંકીએ કલેક્ટરને "લાઈસન્સદાર લૂંટારો" ગણાવીને તેમની તુલના મહમ્મદ ગઝની સાથે કરી હતી. તેમણે જ્યાં સુધી કલેક્ટરના ભ્રષ્ટાચાર ખુલ્લા નહીં પાડી દે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે, ભલે કલેક્ટર 6 મહિનામાં નિવૃત્ત થઈ જાય.
દીનુભાઈ સોલંકીએ ગુજરાત સરકારને પણ પડકાર ફેંક્યો છે કે જો તેઓ ખોટા હોય તો તેમની સામે CBI તપાસ કરાવી કાર્યવાહી કરવામાં આવે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ જીવનના અંતિમ શ્વાસ સુધી આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતા રહેશે.
જાહેર મંચ પરથી દીનુભાઈ સોલંકીએ ગીર કલેક્ટર દિગ્વિજયસિંહ પર ભ્રષ્ટાચારના નીચે મુજબના ગંભીર આરોપો લગાવ્યા:
- ચોપાટી કોન્ટ્રાક્ટ પેનલ્ટી કૌભાંડ: ચૌપાટીના કામમાં કોન્ટ્રાક્ટરે મોડું કર્યું તો પેનલ્ટીના રૂ. 1 કરોડ ગુજરાત સરકારના ખાતામાં જમા થવાના બદલે કલેક્ટરે 60% ભાગ રાખીને બાકીના 40% કોન્ટ્રાક્ટરને આપી દીધા.
- ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ ભ્રષ્ટાચાર: જિલ્લા ખનીજ ફંડ (DMF) માં રેતી અને સિમેન્ટની રોયલ્ટીના આશરે 30 કરોડના ફંડમાં છેલ્લા 3 વર્ષમાં કલેક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો.
- અમલીકરણ અધિકારીઓનું શોષણ: કલેક્ટરે DMF ફંડના અમલીકરણ અધિકારીઓને ધમકાવીને તેમની સહીઓ મેળવી, જેનો પુરાવો તેઓ કોર્ટમાં રજૂ કરશે.
- આંગણવાડી અને સસ્તા અનાજ કૌભાંડ: આંગણવાડી યોજના અને સસ્તા અનાજની દુકાનદારો પાસેથી ઉઘરાવીને 15 લાખ રૂપિયા એક વહીવટદારને આપવામાં આવ્યા.
- દરિયા કિનારાના કોન્ટ્રાક્ટરો પાસેથી હપ્તો: ગીર સોમનાથ જિલ્લામાં દરિયા કિનારે ચાલતા તમામ કામોના કોન્ટ્રાક્ટરો પાસેથી કલેક્ટર દર મહિને રૂ. 3-3 લાખનો હપ્તો ઉઘરાવે છે.
- રેતી સપ્લાયર ટેક્સ વસૂલી: ગીર સોમનાથ જિલ્લામાં રેતીના સપ્લાયરો જિલ્લાની હદમાં પ્રવેશે એટલે કલેક્ટર તેમની પાસેથી ટેક્સ વસૂલે છે.
- સસ્તા અનાજ કૌભાંડમાં તોડ: સસ્તા અનાજના કૌભાંડમાં કલેક્ટરે રૂ. 90 લાખનો તોડ કર્યો છે.
- તેલ કૌભાંડમાં તોડ: તેલના કૌભાંડમાં પણ કલેક્ટરના 2 વહીવટદારો મારફત રૂ. 25 લાખનો તોડ થયો છે.
- પેટ્રોલ પંપ ખોલવા લાંચ: વેરાવળમાં સીલ કરેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ ખોલવા માટે રૂ. 15 લાખની લાંચ લેવામાં આવી હતી.
- લીઝ અને જમીન કામમાં કરોડોનો ભ્રષ્ટાચાર: લીઝ અને જમીનના કામોમાં કલેક્ટર દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.
- સરકારી અધિકારીઓ પર દબાણ: કલેક્ટર તલાટી, સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર અને મામલતદાર જેવા સરકારી અધિકારીઓ પર ગેરકાયદેસર કામો માટે દબાણ લાવીને તેમની સહીઓ કરાવે છે.
- ગેરકાયદેસર ફાર્મ હાઉસ: રાજકોટના ન્યારી ડેમ પાસે કલેક્ટરનું આદિનાથ ફાર્મ નામનું ફાર્મ હાઉસ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું છે, જેની તપાસ કરવાની દીનુભાઈએ ગુજરાત સરકાર અને રાજકોટ કલેક્ટરને વિનંતી કરી છે.
- ગેરકાયદેસર બોટ પરવાનગી: દીનુભાઈએ ગુજરાત પોલીસ અને કોસ્ટગાર્ડને સવાલ કર્યો કે કલેક્ટર દિગ્વિજયસિંહને માછીમારી બોટ ચલાવવાની પરવાનગી કોણે આપી.
- હથિયાર લાયસન્સ કૌભાંડ: કલેક્ટર હથિયારના લાયસન્સ માટે રૂ. 15 લાખ લઈને ગેરકાયદેસર રીતે લાયસન્સ કાઢી આપે છે.
આ પણ વાંચો...
દિલ્હીની હાર બાદ ગુજરાતમાંથી AAP ને મળ્યા સારા સમાચાર, જાણો ક્યાં કેટલી સીટ જીતી





















