Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
Farmers: જૂનાગઢના વંથલી પંથકમાં રાત્રિના સમયે ફૂંકાયેલા ભારે પવનના કારણે કેસર કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે.
Farmers: જૂનાગઢના વંથલી પંથકમાં રાત્રિના સમયે ફૂંકાયેલા ભારે પવનના કારણે કેસર કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. વંથલીના ધંધુસર ગામ સહિત આસપાસના વિસ્તારમાં આંબા પરથી કેરીનો પાક ખરી પડ્યો છે. હજુ પણ 24 કલાક તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. કેરીના ઉત્પાદન માટે ખેડૂતોને વીઘા દીઠ બે હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જોકે માવઠુ વરસતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. એક તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું હતું. તેમાંય હવે માવઠુ વરસતા ઉત્પાદનમાં વધુ ઘટાડાનો અંદાજ છે. કેરી પકવતા ખેડૂતોએ સરકાર તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ કરી છે.
નર્મદા જિલ્લામાં ખેડૂતોને નુકસાન
નર્મદા જિલ્લામાં પણ કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. કેળ,પપૈયા અને કેરીના પાકને નુકસાન પહોંચ્યું હતું. નર્મદા જિલ્લામાં કેળાનો પાક જમીનદોસ્ત થયો હતો. કેટલાક વિસ્તારમાં આંબા પરથી કેરીનો પાક ખરી પડ્યો હતો. કેરી, કેળા, પપૈયાના પાકમાં નુકસાન થતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે.
અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. માંડલ APMCમાં આવેલા અજમાના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના અને વેપારીઓએ ખરીદેલા અજમાના પાકને માવઠાના કારણે નુકસાન થયું છે. અજમાની 300 બોરી પલળી જતા ખેડૂત અને વેપારી બંનેને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
કમોસમી વરસાદથી અમરેલી જિલ્લામાં કૃષિ પાકને નુકસાન થયું છે. પવન સાથે વરસેલા વરસાદથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. તલ, બાજરી, જુવાર સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે. ત્રણ ત્રણ મહિના સુધી મહેનત કરી તૈયાર કરેલ પાક બરબાદ થયો હતો.વડોદરાના વાઘોડિયાના વ્યારામા કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. ડાંગર, બાજરી, મકાઈ અને કેળ જેવા પાકોને વાવાઝોડાથી નુકસાન થયું છે. આશરે 500 વીંઘા ઉપરાંત ખેતીપાકોને વ્યારા ગામે નુકસાન થયું છે. વડોદરાના શિનોર તાલુકામાં અંદાજિત 500 એકર જમીનમાં આંબાની વાડીઓ કરતા ખેડૂતો છે જ્યારે 1500 એકરથી વધુ જમીનમાં કપાસ વાવવામાં આવ્યો છે. વાવાઝોડામાં મોટી સંખ્યામાં કેરી ખરી પડતા ખેડૂતો લાચાર બન્યા હતા.