ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
સ્ટેટ મોનિટરિંગ સેલે ₹1.73 કરોડના દારૂ કૌભાંડમાં સામેલ દેવભૂમિ દ્વારકાના પોલીસકર્મી સાજણ વિરાભાઈ વસારા સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

GUJCTOC case Gujarat: જુલાઈ 19, 2025 ના રોજ, સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળી હતી કે ભરૂચ-વડોદરા હાઈવે પર એક ગેસ કન્ટેનરમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે ₹15 લાખની લાંચની માંગણી થઈ હતી. આ મામલે તપાસ કરતા, કરજણ ખાતેથી ₹1.88 કરોડના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો પકડાયો હતો. વધુ તપાસમાં સામે આવ્યું કે સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરના અ.હે.કો. સાજણ વિરાભાઈ વસારા (બ.નં-290) એ આ લાંચના ₹10 લાખ એક આરોપીના કહેવાથી લીધા હતા. કૉલ રેકોર્ડિંગ્સ અને પુરાવાના આધારે, સાજણ વિરાભાઈની સંગઠિત ગુનામાં ભૂમિકા સ્પષ્ટ થતા, તેની સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (GUJCTOC) 2015 હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે રાજ્યમાં કોઈ પોલીસકર્મી વિરુદ્ધ GUJCTOC નો પ્રથમ કેસ બનશે.
દારૂ કૌભાંડ અને લાંચનો પર્દાફાશ
આ કેસની શરૂઆત જુલાઈ 19, 2025 ના રોજ થઈ, જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી કે મોબાઈલ નંબર 9145891592 ધરાવતો એક ડ્રાઈવર ગેસ કેપ્સ્યુલ કન્ટેનર (રજીસ્ટ્રેશન નં-NL-01-Q-9579) માં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) નો જથ્થો ભરીને જઈ રહ્યો છે. આ કન્ટેનરને ભરૂચ-વડોદરા હાઈવે પર પોલીસ દ્વારા પકડી, કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે ₹15,00,000/- (પંદર લાખ રૂપિયા) ની માંગણી કરવામાં આવી હતી.
આ માહિતીની ખરાઈ કરતા, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, વડોદરા ગ્રામ્યને મળેલ માહિતીના આધારે જુલાઈ 19, 2025 ના રોજ કરજણના સાંપા ગામ ખાતેથી આઈસર નં-NL-1-Q-9579 માંથી ગેરકાયદેસર IMFL ની 20,340 બોટલો, જેની કિંમત ₹1,73,53,488/- (એક કરોડ ત્યોત્તેર લાખ ત્રેપન હજાર ચારસો અઠ્યાસી રૂપિયા) હતી, તે જપ્ત કરવામાં આવી. અન્ય મુદ્દામાલ સાથે કુલ ₹1,88,69,488/- (એક કરોડ અઠ્યાસી લાખ ઓગણસિત્તેર હજાર ચારસો અઠ્યાસી રૂપિયા) નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો. આ મામલે ડ્રાઈવર ફગલુરામ ઉમારામ જાટ (રહે. કકરાલા, તા. સેડવા, જિ. બારમેર) તથા વોન્ટેડ આરોપીઓ અનિલ જગદીશ પ્રસાદ, મનીષ ભાઈજી (બંને રાજસ્થાનના) અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ઈસમ વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ગુનો (ર.નં-11197025251100/2025, પ્રોહી.એ.કલમ-65(એ)(ઈ), 81, 83, 98(2)) દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસકર્મીની સંડોવણી અને લાંચનો ખુલાસો
ત્યારબાદ, સ્ટેટ મોનિટરિંગ સેલને વધુ જાણકારી મળી કે, ઉપરોક્ત આઈસર નં-NL-01-Q-9579 માં દારૂનો જથ્થો ભરીને આવતી વખતે ભરૂચ ખાતે તેને રોકીને કાર્યવાહી ન કરવા માટે ₹15,00,000/- (પંદર લાખ રૂપિયા) ની લાંચની માંગણી કરવામાં આવી હતી. આ ₹15,00,000/- રોકડા “રાહુલભાઈ, મો.નં-8905351040" ના નામે ગાંધીનગર ખાતે આંગડીયુ કરાવવામાં આવ્યું હતું અને “રૂપિયા 10 ની નોટ જેનો નંબર 06D 402778 વાળુ ટોકન” લઈને આવનાર વ્યક્તિને આંગડીયુ આપવાનું જણાવેલું હતું.
વધુમાં, દારૂનો જથ્થો મોકલનાર અનિલ ઉર્ફે પાંડીયા જગદીશપ્રસાદ જાટ (રહે. સીકર, રાજસ્થાન) દ્વારા તે જ દિવસે ઉપરોક્ત ₹15 લાખનું આંગડીયુ ગાંધીનગર ખાતે મોકલાવ્યું હતું. તેમાંથી ₹5,00,000/- (પાંચ લાખ રૂપિયા) મો.નં-9824910853 ધરાવતા હાર્દિક નામના વ્યક્તિએ તે જ દિવસે ગાંધીનગર ખાતેથી આંગડિયા પેઢીમાંથી લઈ લીધા હતા. જ્યારે બાકીના ₹10,00,000/- (દસ લાખ રૂપિયા) નું આંગડીયુ તેણે તે જ દિવસે ગાંધીનગરથી જુનાગઢ M.G. રોડ ઉપર રાકેશ (મો.નં-8780470234) નામના ઈસમને કરાવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, આ રોકડા ₹10,00,000/- (દસ લાખ રૂપિયા) નું આંગડીયુ સ્ટેટ મોનિટરિંગ સેલ, ગુ.રા., ગાંધીનગર ખાતે ફરજ બજાવતા અ.હે.કો. સાજણ વિરાભાઈ વસારા, બ.નં-290 (મૂળ મહેકમ-દેવભૂમિ દ્વારકા) ના કહેવાથી રૉકી નામનો વ્યક્તિ લઈ ગયો હોવાનું જણાયું હતું.
પોલીસકર્મી સામે GUJCTOC હેઠળ કાર્યવાહી
આ ગંભીર બાબતની નોંધ લેતા, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા અ.હે.કો. સાજણ વિરાભાઈ વસારા, બ.નં-290 ને તાત્કાલિક અસરથી સ્ટેટ મોનિટરિંગ સેલની એટેચ ફરજમાંથી મૂળ મહેકમ-દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે પરત મોકલી, ફરજ મોકૂફી હેઠળ મૂકવામાં આવ્યા છે. ઉપરોક્ત બાબતની ઇન્ક્વાયરી તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે.
અ.હે.કો. સાજણ વિરાભાઈ વસારાની કરજણ પોલીસ સ્ટેશનના ઉપરોક્ત પ્રોહીબિશનના ગુનામાં શંકાસ્પદ ભૂમિકા જણાતા, તે જુલાઈ 23, 2025 થી પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને ફરજ પરથી ગેરહાજર રહ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તેને શોધી કાઢી, કચેરી ખાતે લાવી પ્રાથમિક પૂછપરછ કરતા, કરજણ પોલીસ સ્ટેશનના ઉપરોક્ત પ્રોહીબિશનના ગુનામાં તેની ભૂમિકા હોવાનું સ્પષ્ટ થયું. આથી, આરોપી સાજણ વિરાભાઈ વસારા (આહીર), રહેવાસી-JKV નગર-4, જામનગર રોડ, જામ ખંભાળીયા, જિ. દેવભૂમિ દ્વારકા, મૂળ રહે. મેઈન બજાર, વાડી વિસ્તાર, લાલપરડા ગામ, તા. ખંભાળીયા, જિ. દેવભૂમિ દ્વારકાને જુલાઈ 25, 2025 ના રોજ સાંજે 18:30 વાગ્યે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-35(1)(જે) મુજબ કરજણ પોલીસ સ્ટેશનના ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવ્યો છે અને ઉપરોક્ત ગુનાની તપાસના કામે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુ તપાસ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલને કુલ 5 કૉલ રેકોર્ડિંગ વોઈસ ક્લિપ્સ મળી આવી છે. તે પૈકી 2 ક્લિપ્સમાં એક તરફ અ.હે.કો. સાજણ વિરાભાઈ વસારા અને બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશન, ગુ.ર.નં-11995001250005/2025, ધી ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (G.C.T.O.C.) એક્ટ 2015 ની કલમ 3(1) ની પેટા (2) તથા કલમ 3(2), કલમ 3(4) તથા કલમ 3(5) મુજબના ગુનાનો મુખ્ય સૂત્રધાર અનિલ ઉર્ફે પાંડીયા જગદીશપ્રસાદ જાટ (રહે. સીકર, રાજસ્થાન) વચ્ચેની વાતચીત હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાયું છે.
આ ક્લિપ્સમાં અ.હે.કો. સાજણ વિરાભાઈ હિસ્ટ્રીશીટર બુટલેગર અનિલ પાંડીયાને વિજિલન્સ આવે તો પણ રેઈડ નહીં થાય તેવી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગેની સિસ્ટમ સમજાવી, IMFL ની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપરોક્ત GUJCTOC ના ગુનાનો મુખ્ય સૂત્રધાર અનિલ ઉર્ફે પાંડીયા જગદીશપ્રસાદ જાટને મદદરૂપ થતા હોવાનું અને તેની પાસેથી આર્થિક અવેજ મેળવતા હોવાનું જણાઈ આવ્યું છે. આ અંગે જરૂરી તપાસ અને પુરાવાઓ એકત્રિત કરીને ઉપરોક્ત GUJCTOC ના ગુનામાં આરોપી તરીકે પોલીસ કર્મચારી અ.હે.કો. સાજણ વિરાભાઈ, બ.નં-290 નું નામ ઉમેરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસ ગુજરાતમાં પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર અને સંગઠિત ગુનાખોરી સામેની લડાઈમાં એક સીમાચિહ્નરૂપ બનશે.





















