(Source: ECI/ABP News/ABP Majha)
ગિરનાર રોપવેમાં 20 ઓગસ્ટ સુધી ફ્રીમાં સફર કરી શકાશે, જાણો કોને મળશે આ ઓફરનો લાભ
જૂનાગઢ ગિરનાર રોપવે ઉષા બ્રેકો કંપનીએ પણ અનોખી ઓફર આપી છે.
જૂનાગઢ ગિરનાર રોપવે ઉષા બ્રેકો કંપનીએ પણ અનોખી ઓફર આપી છે. નીરજ નામની વ્યક્તિને ગિરનાર રોપવેની વિનામૂલ્યે સફર કરી શકશે. ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીતતા ઉષા બ્રેકો કંપનીએ નિર્ણય લીધો છે. 20 ઓગસ્ટ સુધી નીરજ નામની વ્યક્તિને ગિરનાર રોપવેની સફર વિનામૂલ્યે માણી શકશે.
નોંધનીય છે કે, ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા આજે એટલે કે નવ ઓગસ્ટના રોજ ભારત પરત ફરશે. નીરજે ઓલિમ્પિકમાં શનિવારે ફાઇનલ મેચમાં પોતાના બીજા પ્રયાસમાં 87.58 મીટર ભાલો થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. પ્રથમવાર કોઇ ભારતીય એથ્લિટે ઓલિમ્પિકના ટ્રેક એન્ડ ફિલ્મ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજના ભારત પરત ફરવા પર તેમના સ્વાગતની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. નીરજ ચોપરા સોમવારે સાંજે લગભગ સવા પાંચ વાગ્યે એર ઇન્ડિયાની ફ્લાઇટથી દિલ્હી એરપોર્ટ પર ઉતરશે. બાદમાં તેઓ સીધા જ દિલ્હી કેન્ટ વિસ્તારમાં આવેલા રાજરીફ સ્પોર્ટ્સ સેન્ટર જશે. અહી તેઓનું એક ઇવેન્ટમાં સ્વાગત કરવામાં આવશે.
નીરજે પોતાનો ગોલ્ડ મેડલ મિલ્ખાસિંહને સમર્પિત કર્યો છે. ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજે કહ્યું કે, મારે મારુ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું હતું. પરંતુ મે ગોલ્ડ મેડલ જીતવા વિશે વિચાર્યું નહોતું. હુ મારો ગોલ્ડ મેડલ મિલ્ખા સિંહને અર્પણ કરું છું. નોંધનીય છે કે ભારતે ઓલિમ્પિકમાં 13 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ અગાઉ વર્ષ 2008માં બેઇજિંગ ઓલિમ્પિકમાં અભિનવ બિંદાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું- ‘નીરજ ચોપરાની અભૂતપૂર્વ જીત! તમારો સોનેરી ભાલો તમામ વિઘ્નોને તોડીને ઇતિહાસ રચે છે. તમે તમારા પ્રથમ ઓલમ્પિકમાં ભારતને પહેલીવાર ટ્રેક અને ફીલ્ડ પદક અપાવો છો. તમારો કરતબ આપણા યુવાનોને પ્રેરણા આપશે. ભારત ઉત્સાહિત છે! હાર્દિક શુભેચ્છા!’
નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું- ‘ટોક્યોમાં ઇતિહાસ રચાઇ ગયો છે! આજે જે પ્રાપ્ત કર્યું છે તેને હંમેશા યાદ કરવામાં આવશે. નીરજે અસાધરણ રૂપથી સારું પ્રદર્શન કર્યું છે. તેમણે ઉલ્લેખનીય જૂનુન સાથે રમત રમી અને અદ્વિતિય ધૈર્ય બતાવ્યું. ગોલ્ડ જીતવા માટે તેમને શુભેચ્છા.’ નીરજની આ સિદ્ધિ બદલ તેમના પર ઇનામોનો વરસાદ થઇ રહ્યો છે. પાણીપતમાં રહેનાર નીરજ ચોપરા હરિયાણા સરકાર તરફથી 6 કરોડ રૂપિયા રોકડ અને સરકારી નોકરી આપવાનો નિર્ણય કર્યો છે.