ગાંધીનગરઃ વેપારીઓ માટે ફરજિયાત વેક્સિનેશનના સમયમાં કરાયો વધારો, જાણો વેપારીઓ ક્યાં સુધી લગાવી શકશે વેક્સિન?
રૂપાણી સરકારે વેપારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો હતો. વેપારીઓને ફરજિયાત કોરોના વેક્સિન લેવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ફરજિયાત કોરોના વેક્સિનેશનની મુદ્દત 10 જૂલાઇ સુધી કરવામાં આવ્યો છે.
ગાંધીનગરઃ રૂપાણી સરકારે વેપારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો હતો. વેપારીઓને ફરજિયાત કોરોના વેક્સિન લેવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. વેપારીઓ માટે ફરજિયાત વેક્સિનેશનનો સમય 30 જૂનથી વધારીને 10 જૂલાઇ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત બનાવવામાં આવી છે તેની સમય મર્યાદા હવે 10 જુલાઈ 2021 સુધી લંબાવવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના વેક્સિનની અછત જોવા મળી રહી છે. વેપારીઓ વેક્સિન લેવા માટે વેક્સિન સેન્ટર પર જઇ રહ્યા છે પરંતુ તેઓને વેક્સીન મળી રહી નથી. જેના કારણે વેક્સિન લેવા માટેની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા હતા. કોરોના સમયમાં એક તરફ વેપાર ધંધા ભાગી પડ્યા છે ત્યારે સરકારે વેપારીઓને વેક્સિન ફરજિયાત લેવાનો આદેશ આપ્યો હતો. વેપારીઓ વેક્સિન લેવા માટે વેક્સિન સેન્ટરના ધક્કા ખાવા મજબૂર બન્યા હતા.
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં વેક્સિનની અછતના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે. રસીની અછતના કારણે વેક્સિનેશનના મોટાભાગના કેન્દ્રો બંધ થઇ ગયા છે. આ મામલે વેપારીઓ માટે ખાસ વ્યવસ્થા કરવા અથવા 30 જૂનથી મુદતમાં વધારો કરવાની વિપક્ષે માંગણી કરી હતી. અમદાવાદમાં નાના ધંધાર્થીઓ અને વેપારીઓને પોતાનો ધંધો રોજગાર છોડીને રસી માટેની લાઇનમાં ઊભા રહીને પણ ધક્કો જ ખાવાનો હોય તો ધંધો રોજગાર કઈ રીતે કરશે તેઓ પણ સવાલ નડી રહ્યો છે.
નોંધનીય છે કે સરકારે 25 તારીખે જાહેરનામુ બહાર પાડ્યુ હતું કે તમામ દુકાનો, રેસ્ટોરંટ, જીમ,થિયેટર વગેરે સ્થળોએ માલિકો અને તેમાં કામ કરતાં કર્મચારીઓએ કોરોના વેક્સિન 30 જુન સુધીમાં લઈ લેવી નહી તો તેઓ પોતાની માલિકીની જગ્યા ચાલુ રાખી શકશે નહિ.પરંતુ કેટલાક વેપારીઓ છે જેમણે વેક્સિન માટે ધક્કા ખાવા પડ્યા છે. વેપારીઓનું કહેવું છે કે વેક્સિન લેવા માટે ગયા પરંતુ વેક્સિનનો ડોઝ નથી તેવું કહેવામાં આવે છે. અમે અમારી દુકાનો બંધ કરીને વેક્સિન માટે જતા હોઈએ છે. જેનાથી ધંધાને પણ નુકસાન થાય છે.