(Source: ECI/ABP News/ABP Majha)
CID Crime Raid: વિદેશમાં નોકરી-વિઝાની લાલચ આપવાના કેસમાં વધારો, CID ક્રાઈમે 17 ટીમો બનાવી દરોડા પાડ્યા
વિદેશમાં નોકરીની લાલચ આપી લોકો સાથે ઠગાઈ આચરવાના બનાવો સતત વધી રહ્યા છે. ખોટા ડોક્યુમેન્ટ બનાવીને વિઝા આપવાની લાલચ આપતું આખું રેકેટ CID ક્રાઈમની તપાસમાં સામે આવ્યું છે.
Gujarat CID Crime Raid : વિદેશમાં નોકરીની લાલચ આપી લોકો સાથે ઠગાઈ આચરવાના બનાવો સતત વધી રહ્યા છે. ખોટા ડોક્યુમેન્ટ બનાવીને વિઝા આપવાની લાલચ આપતું આખું રેકેટ CID ક્રાઈમની તપાસમાં સામે આવ્યું છે. CID ક્રાઈમે 17 ટીમો બનાવી અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિતના શહેરોમાં આવેલી વિઝા કન્સલ્ટન્સીની ઓફિસોમાં દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
શંકાસ્પદ ડોક્યુમેન્ટ મળી આવ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ આ દરમિયાન શંકાસ્પદ ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. જેનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ ખોટા ડોક્યુમેન્ટ મળી આવનાર વિઝા કન્સલ્ટન્સી સામે ગુનો નોંધવામાં આવશે. રાજ્યમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે વિઝા મેળવવા માટેની પ્રોસેસ કરતા ઘણા લોકોની વિગતો તપાસ એજન્સી પાસે આવતા CID ક્રાઈમના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયન એક્ટિવ મોડમાં આવ્યા છે. તેમણે એક સાથે 17 જેટલી ટીમો બનાવીને અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાં દરોડા પાડ્યા છે.
15 થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા
વડોદરાના ગોરવા રોડ પર માઈગ્રેસન ઓવર્સિસ ઓફિસમાં CID ક્રાઇમની તપાસ હાથ ધરવામાં આવી છે. સ્મિત કોમ્પ્લેક્ષમાં આવેલ માઈગ્રેશન ઓવરસિઝ માં 15 થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા. CID ક્રાઇમની સાથે ભરૂચ અને પંચમહાલ પોલીસ પણ જોડાઇ હતી. વિદ્યાર્થીઓ સહિત વર્ક પરમીટ પર મોકલાતા લોકો સાથે ગેરરીતિની તપાસ ચાલી રહી છે. ઓફિસના તમામ કર્મચારીઓને પણ ઓફિસ બહાર જવા પર રોક લગાવવામાં આવી. મોટી સંખ્યામાં ગેરરીતિ બહાર આવવાની શક્યતા છે.
CID ક્રાઈમના એડિશનલ ડીજીપી દ્વારા બનાવવામાં આવેલી ટીમોમાં 50થી વધુ પોલીસ કર્મચારીઓ પણ છે. કોમ્પ્યુટરના નિષ્ણાંતોનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમો દ્વારા વડોદરાના માઈગ્રેશન ઓવરસીસ સેન્ટરમાં દરોડા પાડવામાં આવ્યા છે. વડોદરાની સાથે-સાથે અમદાવાદ અને ગાંધીનગર ખાતેની ઈમિગ્રેશનનું કામ કરતી સંસ્થાઓમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
કબૂતરબાજોમાં ફફડાટ ફેલાઈ ગયો
CID ક્રાઈમ દ્વારા એકસાથે અનેક ઠેકાણાઓ પર રેડ કરવામાં આવતા કબૂતરબાજોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. CID ક્રાઈમની તપાસમાં મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ છે. વડોદરા,સીઆઇડી ક્રાઇમના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઓફિસ અગાઉ સયાજીગંજમાં ચાલતી હતી. અને છેલ્લા એક વર્ષથી તેની ઓફિસ ગેંડા સર્કલ પાસે છે. ઓફિસના સંચાલક છેલ્લા 2 વર્ષથી વિઝાના ધંધા સાથે સંકળાયેલા છે.