મનસુખ હિરેન હત્યા કેસમાં ગુજરાત કનેક્શન, અમદાવાદથી સિમકાર્ડ ખરીદ્યા હોવાનો ખુલાસો, જાણો વધુ વિગતો
મનસુખ હિરેન હત્યા કેસના તાર અમદાવાદથી હવે પાટણ સુધી પહોંચ્યા છે. મુંબઈ ATSની ટીમે પાટણની યશ ટાઉનશીપમા રહેતા કિશોર ઠક્કર નામના શખ્સની ધરપકડ કરી છે. પાટણમાં ગાયત્રી ટ્રેડિંગ નામની કંપની ચલાવતા કિશોર ઠક્કરે જ સીમકાર્ડ ખરીદી નરેશ ગોરને આપ્યા હતા.
અમદાવાદ: મુંબઈમાં મુકેશ અંબાણીના ઘરની બહાર મુકાયેલી વિસ્ફોટક પદાર્થ ભરેલી સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેન હત્યા કેસમાં પોલીસ અધિકારી સચિન વાઝેની ટીમની સંડોવણી ખુલ્યા બાદ હવે ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. મનસુખ હિરેન હત્યા કેસના તાર અમદાવાદથી હવે પાટણ સુધી પહોંચ્યા છે. મુંબઈ ATSની ટીમે પાટણની યશ ટાઉનશીપમા રહેતા કિશોર ઠક્કર નામના શખ્સની ધરપકડ કરી છે. પાટણમાં ગાયત્રી ટ્રેડિંગ નામની કંપની ચલાવતા કિશોર ઠક્કરે જ સીમકાર્ડ ખરીદી નરેશ ગોરને આપ્યા હતા.
આ સમગ્ર પ્લાન હતો સચિન વાઝેનો. આખું ષડયંત્ર મહારાષ્ટ્ર બહાર ઘડાયું હોય તેવું દર્શાવવા મહારાષ્ટ્ર બહારથી સીમકાર્ડ ખરીદવા સચિન વાઝેએ કૉંસ્ટેબલ વિનાયક શિંદેને જવાબદારી સોંપી હતી. શિંદેએ તેના સંપર્કમાં રહેલા મૂળ કચ્છના અને હાલ મુંબઈ રહેતા બૂકી નરેશ ગોરનો સંપર્ક કર્યો. નરેશે પોતાના મિત્ર કિશોર ઠક્કરને સીમકાર્ડ આપવા કહ્યું હતું. અગાઉ પણ સટ્ટા માટે સીમકાર્ડ આપી ચૂકેલા કિશોર ઠક્કરને એમ હતું કે હજુ પણ સીમકાર્ડ સટ્ટામાં વપરાશે. આથી તેણે 9 ફેબ્રુઆરીના અમદાવાાદના પકવાન ચાર રસ્તા પાસેના એક મોબાઈલ સ્ટોરમાંથી 14 સીમકાર્ડ ખરીદ્યા હતા.
14 પૈકીના 9 સીમકાર્ડનું વેરિફિકેશન થયું હતું. જ્યારે પાંચ કાર્ડનું વેરિફિકેશન બાકી હતું. જે પાંચ સમીકાર્ડનું વેરિફિકેશન બાકી હતું તેનો હત્યાના ષડયંત્રમાં ઉપયોગ કરવામાં આવ્યો. વેરિફિકેશન વિના સીમકાર્ડ 28 દિવસમાં બંધ થઈ જશે એમ માની આરોપી સચિન વાઝે અને વિનાયક શિંદેએ જે સીમકાર્ડનું વેરિફિકેશન બાકી હતું તેનો જ ઉપયોગ કર્યો.
મહારાષ્ટ્ર ATSએ મનસુખ હિરેન કેસમાં વિનાયક શિંદે અને બુકી નરેશને પકડી પાડ્યા છે. નરેશે 14 સીમકાર્ડ ગુજરાતમાંથી ખરીદ્યા હતા. એક સીમકાર્ડ વિનાયક શિંદે અને એક સચીન ઝેને આપ્યા હતા. આ સમગ્ર પ્રકરણ દરમિયાન સચીન વઝેએ સીમકાર્ડનો ઉપયોગ કર્યો હતો. હવે ATS એ એ શખ્સને ગુજરાતમાંથી ઉઠાવ્યા છે, જેણે આ 14 સીમકાર્ડ નરેશને આપ્યા હતા.
શું હતી સમગ્ર ઘટના ?
એન્ટિલિયાની બહાર શંકાસ્પદ કારમાં વિસ્ફોટક મળ્યા પછી આશંકા વ્યક્ત કરાઈ રહી હતી કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી નિશાના પર છે. CCTV ફૂટેજની તપાસમાં સામે આવ્યું છે કે એન્ટિલિયાની બહાર કાર 24 ફેબ્રુઆરીની રાતે લગભગ એક વાગ્યે પાર્ક કરાઈ હતી. આ પહેલાં આ કાર 12.30 વાગ્યે રાતે હાજી અલી જંક્શન પહોંચી હતી અને અહીં લગભગ 10 મિનિટ સુધી ઊભી હતી. આ ગાડીમાંથી જિલેટિનની 20 સ્ટિક્સ મળી આવી હતી.