Gujarat: રાજ્યના વધુ એક ધારાસભ્ય આપશે રાજીનામું, ભાજપમાં જોડાય તેવી સંભાવના
Gujarat: સૂત્રોના મતે અપક્ષ તરીકે ચૂંટણી જીતનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું સોંપવા માટે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો 11 વાગ્યાનો સમય પણ લઈ લીધો છે.
![Gujarat: રાજ્યના વધુ એક ધારાસભ્ય આપશે રાજીનામું, ભાજપમાં જોડાય તેવી સંભાવના Gujarat: Independent MLA Dharmendra Singh Vaghela will resign Gujarat: રાજ્યના વધુ એક ધારાસભ્ય આપશે રાજીનામું, ભાજપમાં જોડાય તેવી સંભાવના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/25/ec1d23027faeb2e4d9f1b41506bfb724170615267275374_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat: 182 ધારાસભ્યવાળી વિધાનસભામાં ત્રણ ધારાસભ્યોના રાજીનામા બાદ હવે વધુ એક ધારાસભ્યનું રાજીનામું નિશ્ચિત છે. ભૂપત ભાયાણી, ચિરાગ પટેલ અને સી.જે.ચાવડા બાદ હવે વાઘોડીયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપવા જઈ રહ્યા છે. સૂત્રોના મતે અપક્ષ તરીકે ચૂંટણી જીતનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું સોંપવા માટે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો 11 વાગ્યાનો સમય પણ લઈ લીધો છે.
વિધાનસભાની ચૂંટણી જીત્યાના તુરંત બાદ ધર્મેન્દ્રસિંહે સરકારને સમર્થન જાહેર કર્યુ છે ત્યારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાશે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે. ધર્મેન્દ્રસિંહનું રાજીનામું અપાયા બાદ રાજ્ય વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 178નું થઈ જશે. ધર્મેન્દ્રસિંહના રાજીનામાથી ખાલી પડેલી વાઘોડીયા બેઠકની પેટાચૂંટણી વિસાવદર, ખંભાત અને વિજાપુરની જેમ જ લોકસભાની સાથે યોજાશે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપની ટિકિટ પર પેટા ચૂંટણી લડશે તે પણ નિશ્ચિત મનાઈ રહ્યું છે.
રાજીનામું આપ્યા બાદ થોડા દિવસમાં જ ધર્મેન્દ્રસિંહ ભાજપમાં જોડાશે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ પહેલેથી સરકારને ટેકો જાહેર કર્યો છે. વાઘોડિયામાં મજબૂત પકડ ધરાવનારા ધર્મેન્દ્રસિંહે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને હરાવી જીત મેળવી હતી. બાદમાં ભાજપને સમર્થન જાહેર કર્યું હતું.
આ પહેલા મંગળવારે લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના કાર્યક્રમમાં પણ વાઘેલા નજરે પડ્યા હતા. તો આ બાજુ કોંગ્રેસના ધારાસભ્યોને લઈ છેલ્લા કેટલાક દિવસથી અટકળો ચાલી રહી છે. હજુ કેટલાક ધારાસભ્યો રાજીનામા આપશે તેવી વાતો વહેતી થઈ છે. આજ પ્રકારની ચર્ચા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સિનિયર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને લઈને પણ શરૂ થઈ હતી.
અહેવાલો એવા આવ્યા કે મોઢવાડિયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય છે. પરંતુ આ તમામ અહેવાલોને અર્જુન મોઢવાડિયાએ પાયાવિહોણા ગણાવ્યા હતી. એટલું જ નહીં પોતે કોંગ્રેસમાં છે અને કોંગ્રેસના જ ચૂંટાયેલા ધારાસભ્ય છે તેવી સ્પષ્ટતા અર્જુનભાઈ મોઢવાડિયાએ સોશલ મીડિયાના માધ્યમથી કરી હતી.
તો આ બાજુ પ્રદેશ ભાજપ કાર્યાલયે સી.આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી મંડળના તમામ સભ્યો, લોકસભા બેઠક માટે નિમાયેલા પ્રભારીઓ, કલસ્ટરના તમામ ઈંચાર્જ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી દિવસના કાર્યક્રમો, રણનીતિની અમલવારી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)