Gujarat Lockdown: રાજ્યમાં લોકડાઉન લાદવા મુદ્દે રૂપાણીએ શું કરી મોટી જાહેરાત ?
વિજય રૂપાણીએ કહ્યું, રાજ્યમાં હાલ લોકડાઉનની કોઈ જરૂર નથી. જો જરૂરી લાગશે તો લગાવવામાં આવશે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. કોરોનાના કેસ વધતાં ફરી રાજ્યમાં લોકડાઉન નાંખવામાં આવે તેવી અટકળો વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરી છે. વિજય રૂપાણીએ કહ્યું, રાજ્યમાં હાલ લોકડાઉનની કોઈ જરૂર નથી. જો જરૂરી લાગશે તો લગાવવામાં આવશે.
ગુજરાત મેડિકલ એસોસિયેશન દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ છે કે, 14 દિવસનું લોકડાઉન જરૂરી છે અને ગુજરાત સરકાર આ બાબતે વિચારે. મેડિકલ એસોસિયેશન દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ છે કે, રાજ્યમાં ટેસ્ટ વધારવાની જરૂરિયાત છે. આ સિવાય હોસ્પિટલોમાં બેડ અને દવાઓની પણ જરૂરિયાત છે તેથી તેને માટે સમય મળી જશે. આ પહેલાં રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં ઓક્સિજન અને બેડ વધારવા એ હાલના સમયની જરૂરિયાત છે અને અમે હોસ્પિટલોમાં ઓક્સિજન તથા બેડ વધારી રહ્યા છીએ. રાજ્ય સરકારે કહ્યું કે, લોકડાઉન લાદવા વિશે ઘણાં સૂચનો આવ્યાં છે પણ લોકડાઉનથી ફાયદો થશે કે નહીં એ નક્કી નથી. રાજ્યમાં નાઈટ કરફ્યુ લગાવવાથી કોઈ ખાસ ફાયદો નહિ થયો હોવાનું સરકારે કહ્યું હતું.
સોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 117 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5494 પર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 4179 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,41,724 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 68 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 68754 પર પહોંચ્યો છે. જેમાંથી 341 લોકો વેન્ટિલેટર પર અને 68413 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.15 ટકા છે.