Gujarat Rain: ઓગસ્ટ સુકો ભઠ્ઠ, સપ્ટેમ્બરમાં હવે આ તારીખથી થશે મેઘરાજાની ફરી પધરામણી, વરસાદી રિપોર્ટ
ગુજરાતમાં વરસાદી અપડેટ વિશે વાત કરીએ તો, આ વખતે ગુજરાતામાં જૂન-જુલાઇના મહિનામાં અતિવૃષ્ટિ થઇ છે, એટલે કે આ મહિનાઓમાં રાજ્યમાં 96 વર્ષનો સૌથી વધુ વરસાદ ખાબક્યો છે
Gujarat Rain Alert: ચોમાસાની ઋતુ ચાલી રહી છે, અને હવે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ગુજરાતમાં વરસાદી અપડેટ જાહેર કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લે જૂન-જુલાઇમાં વરસાદે ગુજરાતમાં કહેર વર્તાવ્યો હતો, જ્યારે ઓગસ્ટ મહિનામાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો છે.
ગુજરાતમાં વરસાદી અપડેટ વિશે વાત કરીએ તો, આ વખતે ગુજરાતામાં જૂન-જુલાઇના મહિનામાં અતિવૃષ્ટિ થઇ છે, એટલે કે આ મહિનાઓમાં રાજ્યમાં 96 વર્ષનો સૌથી વધુ વરસાદ ખાબક્યો છે, જ્યારે ઓગસ્ટ મહિનો સુકોભઠ્ઠ રહ્યો છે, એટલે કે, આ વખતે ઓગસ્ટમાં 86 વર્ષનો સૌથી ઓછો વરસાદ પડ્યો છે, આ મહિનામાં અનાવૃષ્ટિ થઇ છે.
રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં અત્યાર સુધી આ સિઝનમાં કુલ 82 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જે સરેરાશથી 11 ટકા ઓછો છે. હવામાન વિભાગ અનુસાર, હવે આ મહિનામાં, સપ્ટેમ્બરમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવના છે. 7 થી 20 સપ્ટેમ્બરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે, અને આની અસર પાક પર પડશે. જૂન-જૂલાઇમાં સાડા 27 ઇંચ વરસાદનો 96 વર્ષનો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ છે, જ્યારે ઓગસ્ટમાં માત્ર દોઢ ઇંચ વરસાદ 86 વર્ષનો સૌથી ઓછો વરસાદનો રેકોર્ડ નોંધાયો છે.
દેશના ઘણા રાજ્યોમાં ચોમાસું ફરી થયું સક્રિય
વર્ષ 1901 પછી આ વર્ષે ઓગસ્ટ મહિનામાં દેશમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે ફરી એકવાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થવાના સંકેત આપ્યા છે. જેના કારણે દેશના મધ્ય અને દક્ષિણ રાજ્યોમાં વરસાદ પડી શકે છે. આ સાથે જ હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. કેરળમાં હળવા વરસાદની સંભાવના છે. રાત્રિના સમયે આ વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની સંભાવના છે.
આ સ્થળોએ વરસાદ પડશે
હવામાન વિભાગે દેશના વિવિધ ભાગોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દક્ષિણ કર્ણાટક, રાયલસીમા, તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ ઝારખંડમાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં વીજળી પડવાની પણ સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં વધુ વરસાદ પડે તો પણ જૂનથી સપ્ટેમ્બર સત્ર દરમિયાન નોંધાયેલ સરેરાશ વરસાદ સિઝનના સામાન્ય વરસાદ કરતાં ઓછો રહેવાની ધારણા છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ ન પડવા પાછળનું કારણ પેસિફિક મહાસાગરમાં આવેલા તોફાન અલ નીનોને જવાબદાર ગણવામાં આવ્યું હતું.
આ રાજ્યોમાં પણ વરસાદની સંભાવના
2 સપ્ટેમ્બરે ઓડિશા, પૂર્વ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ વરસાદ નોંધાયો છે. આંદામાન-નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. બીજી તરફ, બંગાળની ખાડીમાંથી આવતા પવનોને કારણે લખનૌ તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશમાં 5 અને 6 સપ્ટેમ્બરે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયાઈ સપાટીના તાપમાનમાં હવે સકારાત્મક તફાવત શરૂ થયો છે, જે વાવાઝોડા અલ નીનોની અસરને ઉલટાવી શકે છે. વાદળોની હિલચાલ પૂર્વ તરફ આગળ વધી રહી હોવાથી તે વિસ્તારમાં ફરી ચોમાસાને દસ્તક આપવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
દિલ્હીની વાત કરીએ 3જી સપ્ટેમ્બર સુધી જોરદાર પવન ફૂંકાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તાપમાનમાં થોડો ફેરફાર થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં વધુ વરસાદ પડે તો પણ જૂનથી સપ્ટેમ્બર સુધીનો સરેરાશ વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની ધારણા છે. દેશના બાકીના ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય રહેવાની ધારણા છે, જ્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.