Gujarat Rain Live Updates: અમદાવાદના કેટલાક વિસ્તારમાં ફરી ધોધમાર વરસાદ, રાજ્યમાં ત્રણ કલાક ભારે વરસાદની આગાહી
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે જ્યારે ઉમરગામમાં મધરાત બાદ ભારે વરસાદ પડ્યો હતો
LIVE
Background
ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે સવારથી જ સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 45 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો છે. કચ્છ જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.
સવારથી અત્યાર સુધીમાં માણાવદર તાલુકામાં બે કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો છે તો ઉમરગામ, મેંદરડા અને પલસાણામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. ભાણવડ, કુતિયાણા, જાફરાબાદમાં વરસાદ પડ્યો છે તો જેતપુર, ગણદેવી, વાપીમાં પણ વરસાદ પડ્યો છે.
સંઘપ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે દિવસભર વાદળછાયું વાતાવરણ હતું. દિવસે જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. રાત્રે વાપી અને દમણમાં પણ વરસાદ પડ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે જ્યારે ઉમરગામમાં મધરાત બાદ ભારે વરસાદ પડ્યો હતો. વાપીમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો. સંઘપ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. વલસાડમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડના ઉમરગામમાં ચાર કલાકમાં ધોધમાર પોણા છ ઇંચ વરસાદ ખાબક્યો હતો અને આઠ તાલુકામાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં ભાવનગરના ઘોઘામાં ત્રણ ઈંચ, સાયલા અને ભરૂચમાં બે બે ઈંચ, ધોરાજી અને અમરેલીમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ભેંસાણ અને બરવાળામાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના પાટણ વેરાવળ, ભાવનગર, માંગરોલમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
વાગરા, વાપી, ગીર ગઢડા, સુત્રાપાડા, કોડીનારમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વર, બોટાદ, ગોંડલ, સિહોર, રાજકોટ અને જૂનાગઢમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. બાબરા, મોડાસા, કપરાડા, પડધરી, કોટડા સાંગાણી, માણાવદરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. કુતિયાણા, મેંદરડા,ઉના, લાઠી, જામનગર, માંગરોળ, મુળી, વંથલી, કુકાવાવ, તળાજા, ઝઘડીયા અને તાલાલામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.
ચોમાસામા આગમન સાથે જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત શહેરના અનેક વિસ્તારમાં આજે સવારથી વરસાદ શરુ થયો છે. શહેરના વેસુ, પીપલોદ, ઉમરા, યુનિવર્સિટી રોડ, ડુમસ રોડ, ઉધના, પાંડેસરા, પાલ અડાજણ સહિતના વિસ્તારમાં વરસાદ વહેલી સવારથી વરસાદ શરુ થયો છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ સોસાયટીઓમાં ભરાયા પાણી
અમદાવાદમાં અડધાથી પોણા કલાક જેટલા ધોધમાર વરસાદ બાદ પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ છે. જીવરાજ પાર્ક વિસ્તારની ગાયત્રી સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. શહેરના ઘણા વિસ્તારોમાં આવી સ્થિતિ છે.
પાટણ જીલ્લામાં ચોમાસાનું આગમન
પાટણ જીલ્લામાં પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. માર્ગો અને બજારમાં વરસાદના પાણી વહેવા લાગ્યા છે. સાંતલપુર, જાખોત્રા, ગામડી સહીત ગ્રામ્ય પંથકમાં મેઘો મહેરબાન થયો છે.
મોરબીમાં બે કલાકમાં 82 એમએમ વરસાદ
મોરબી શહેરને મેઘરાજાએ ધમરોળ્યું છે. બપોરે 2 થી 4 કલાકના ગાળામાં 82 એમએમ વરસાદ પડ્યો છે. હજુ પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.
નડિયાદ ભારે વરસાદ
નડિયાદમાં છેલ્લા બે કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાણી ભરાતા નડિયાદ નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પોકળ સાબિત થઈ છે. નડિયાદનો રબારીવાડ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ વિસ્તારમાં બાળકોની, હાડકાની, પ્રસુતાની, તેમજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઉપરાંત ઇમેજિંગ સેન્ટર પણ આવેલું છે. પાણી ભરાતા દર્દીઓને તેમજ દર્દીઓના સગાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સાબરમતીમાં નવા નીરની આવક
અમદાવાદમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક જગ્યાએ પાણી ભરાયા છે. જોકે આ દરમિયાન સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે.