(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain: રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર, છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસેલા વરસાદના આંકડા જાહેર કર્યા હતા
Gujarat Rain: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હતું. હવામાન વિભાગે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસેલા વરસાદના આંકડા જાહેર કર્યા હતા. હવામાન વિભાગના મતે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
મળતી જાણકારી અનુસાર, છેલ્લા 24 કલાકમાં બોટાદ તાલુકા બે ઈંચ, સુરેન્દ્રનગરના દસાડામાં પોણા બે ઈંચ, મોરબીના ટંકારામાં સવા ઈંચ, છોટા ઉદેપુરના બોડેલીમાં અડધો ઈંચ, લીલીયા, પાટણ વેરાવળમાં અડધો ઈંચ , માળીયા હાટીનામાં અડધો ઈંચ, ભાણવડમાં અડધો ઈંચ, કુકાવાવ, ખાંભામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 25.46 ટકા વરસાદ વરસ્યો હતો. તે સિવાય સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં 35.44 ટકા વરસાદ નોંધાયો હતો. કચ્છમાં સીઝનનો અત્યાર સુધીમાં 34.87 ટકા વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 27.25 ટકા વરસાદ વરસ્યો હતો. મધ્ય ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 16.39 ટકા વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 17.78 ટકા વરસાદ વરસ્યો હતો.
આગાહી વચ્ચે અમદાવાદમાં વરસાદની રાહ જોવા રહી છે. અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છવાયું છે. અમદાવાદ શહેર, જિલ્લામાં ઉકળાટનો માહોલ છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હજુ વરસાદની રાહ જોવા રહી છે. મહેસાણા, પાટણ જિલ્લામાં વરસાદની રાહ જોવાઈ રહી છે.
ઉત્તરપ્રદેશ, બિહાર, અસમ અને ઉત્તરાખંડમાં સ્થિતિ ગંભીર બની છે. ઉત્તરાખંડમાં તો ભૂસ્ખલનની ઘટનાના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. આજે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આ તરફ નેપાળમાં ભારે વરસાદથી ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં રેસ્ક્યુ માટે સેનાની મદદ લેવામાં આવી રહી છે. જ્યારે બારાબંકીમાં સરયુ નદીનું જળસ્તર વધતા નદીકાંઠાના ગામડાઓમાં પાણી ભરાયા હતા. સાથે જ રસ્તાઓ, ખેતરો અને મકાનો પૂરના પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે છેલ્લા બે દિવસથી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક્શનમાં છે. આજે સીએમ યોગી બલરામપુર, શ્રાવસ્તવી સહિત પૂરથી પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેશે. પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત કિટનું પણ વિતરણ કરશે.