Ahmedabad: અમદાવાદના કુખ્યાત મોહમ્મદ કુરેશીના “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
અમદાવાદ: રાજ્યમાં ઘણા દિવસોથી માથાભારે તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઘણા અસામાજીક તત્વોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

અમદાવાદ: રાજ્યમાં ઘણા દિવસોથી માથાભારે તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઘણા અસામાજીક તત્વોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. હવે આ કડીમાં આજે પણ તંત્રની બુલડોઝર કાર્યવાહી યથાવત છે. આજે જુહાપુરા વિસ્તારમા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તંત્રએ નામચીન મોહમ્મદ મુશીર કુરેશીની ગેરકાયદેસર મિલકત તોડી પાડી છે. તમને જણાવી દઈએ કે, મોહમ્મદ મુશીર કુરેશી ઉર્ફે મૂશીર ડોન પર જુગાર, આર્મ એક્ટ સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વેજલપુર વિસ્તારમાં ખંડણી, જમીન મકાન કે દુકાન પડાવી લેવા સહિતની ગુનાહિત પ્રવૃત્તિમાં તે સામેલ છે. આ ઉપરાંત મોહમ્મદ મુસીરના અન્ય સાગરીતો પર પણ કાર્યવાહી થશે. મુશીર હવેલી તરીકે ઓળખાતી ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફરી વળ્યુ છે. સામે આવેલી વિગતો અનુસાર મોહમ્મદ મુશીરે અંદાજે ૪ વિઘામાં આ આલીશાન બંગલો બનાવ્યો હતો.
સ્વીમિંગ પુલ, બાળકો માટે રમતના સાધનો સહિતની સુવિધાઓ આ બંગલામાં હાજર હતી. “ઇસ્માઇલ પેલેસ” ના નામથી આ હવેલી બનાવી હતી. બંગલાની જગ્યા માલિકીની છે પણ ત્યાં મંજૂરી વગર બાંધકામ કરવામાં આવતા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. એએમસીના એસ્ટેટ અધિકારી શંકર અસારીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૨૨માં ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ આપવામાં આવી હતી. જો કે, ત્યારે કોઈ કારણસર ડિમોલિશન થઈ શક્યું નહોતું. જો કે, અત્યાર સુધી કાર્યવાહી ન થતા એએમસીની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
મુસીરની હવેલીના ડિમોલેશન મામલે ડીસીપી શિવમ વર્માએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સરખેજ, વેજલપુર, વાસણા, એલિસબ્રિજ, આનંદનગર સહિતના વિસ્તારોના ગુનેગારોની યાદી બનાવાઈ છે. તમામ વિસ્તારોમાં ૧૫૦ જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાઈ છે. મુશીરની જગ્યા માલિકીની છે પણ ખેતીલાયક છે જ્યાં ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. આગમી દિવસોમાં મુશીર અને તેના સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક જેવો ગુનો નોંધાશે. ફતેવાડી વિસ્તારમાં અન્ય ગેરકાયદેસર મિલકતો તોડી પાડવામાં આવશે. આ ઉપરાંત એએમસી જણાવશે ત્યારે પોલીસ બંદોબસ્ત આપશે.
રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
હાલમાં રાજ્યમાં અસામાજીક તત્વો પર કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, ગુજરાતના ગલી-રસ્તાઓને અસામાજિક તત્વો બાનમાં લે ત્યારે લુખ્ખા તત્વોને પોલીસનો ડર નથી તેવા આક્ષેપો કરવા લાગતા વિપક્ષના સભ્યો, જ્યારે ગુજરાત પોલીસ દ્વારા આવા તત્વોને પકડીને વરઘોડા નિકાળવામાં આવે કે આવા તત્વોએ સરકારની રિઝર્વ જગ્યાઓ પર ઉભા કરી દીધેલા મકાન-ચાલીઓ પર બુલડોઝર ફેરવવામાં આવે ત્યારે વિપક્ષનો સુર બદલાઇ જાય છે. જે લોકો રાત્રે લુખ્ખા તત્વો લાગતા હતા તે જ લોકો વિપક્ષને સવારે ગરીબ દેખાય છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તેની પર દાદાનું બુલડોઝર તો ફરશે જ, આવા ટપોરીઓ પર લેવાયેલા કડક પગલાંથી ખુશ થવાને બદલે વિપક્ષ દુ:ખી થાય છે. ઘટનાનાં કલાકોમાં જ અસામાજિક તત્વોને પકડીને તેની શાન ઠેકાણે લાવવામાં આવી છે. શહેરના રસ્તાઓને બાનમાં લેનારા આવા તત્વોને જે ભાષામાં સમજ પડતી હતી, તે ભાષામાં ગુજરાત પોલીસે કાયદાની મર્યાદામાં સમજાવ્યા છે. અને હજુ પણ આવા તત્વો સામે ગુજરાત પોલીસ આ જ પ્રકારે કડક પગલા લેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
