'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
Gujarat Weather, Heat Wave: ગુજરાતના જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ગરમીને લઇને મોટું અનુમાન કર્યુ છે

Gujarat Weather, Heat Wave: ગુજરાતમાં અચાનક ગરમીનો પારો વધી રહ્યો છે. માર્ચ મહિનામાં જ મે મહિના જેવી ગરમી પડવા લાગી છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં અને પશ્ચિમ અફધાનિસ્તાનમાં સર્જાયેલ સાયક્લૉનિક સરક્યૂલેશનની અસર હેઠળ ગુજરાત છેલ્લા ત્રણ દિવસથી આકરા ઉનાળા જેવી સ્થિતિ સર્જાઇ છે. પરંતુ હવે તાપમાનમાં થોડોક ઘટાડો આવવવાની વાત અંબાલાલે કરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અંબાલાલે ગુજરાતમાં 15 માર્ચ બાદ ગરમીમાં આંશિક રાહત મળવાની આગાહી કરી છે, પરંતુ આકરા ઉનાળાનું પણ અનુમાન કર્યુ છે.
ગુજરાતના જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ગરમીને લઇને મોટું અનુમાન કર્યુ છે, આગામી દિવસોમાં આકરા તાપમાં શેકાયા બાદ ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે 15 માર્ચ બાદ આકરી ગરમીમાંથી ગુજરાતીઓને આંશિક રાહત મળશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં આવતીકાલ ગુરૂવારથી મહત્તમ તાપમાનમાં ક્રમશઃ 2-4 ડીગ્રીનો ઘટાડો જોવા મળશે. આજે બુધવારે ગુજરાતમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાઈ હતી. રાજકોટમાં જેટલુ તાપમાન આજે નોંધાવવું જોઈએ તેના કરતા 6.7 ડિગ્રી વધુ એટલે કે, 42.1 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જોકે, સાથે સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારમાં મહત્તમ તાપમાન વધી શકે છે, અને એપ્રિલ માસમાં પણ ગરમીમાં વધઘટ ચાલુ રહેશે. અંબાલાલ પટેલે સાથે સાથે એવું પણ અનુમાન કર્યુ છે કે, માર્ચ અને એપ્રિલ બાદ મે મહિનામાં ગુજરાતમાં આભમાંથી અગનવર્ષા થવાનું ચાલુ થઇ જશે.
હવામાન વિભાગે શું કહ્યું -
હવામાન વિભાગે આગાહી કરી છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. ઉત્તર- ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવન ફુંકાવાને કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજયુક્ત પવન ફુકાવાને કારણે અસહ્ય ઉકળાટ અને ગરમીનો અનુભવ થશે. અમદાવાદમાં આજે 40.7 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જે સામાન્ય કરતા 5.6 ડિગ્રી વધુ છે. ગુજરાતના અનેક શહેરોમાં દિવસનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 4 થી 7 ડિગ્રી વધુ નોંધાયું છે. દરિયાકાંઠો ધરાવતા પોરબંદરમાં આજે 40.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જે સામાન્ય કરતા 7.6 ડિગ્રી વધુ ગરમી છે.

