Gujarat Rain: સૌરાષ્ટ્રમાં આજે પણ ધબધબાટી બોલાવશે વરસાદ, હજુ 7 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ : હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, દિવ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી લઈને ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમની બેવડી અસરને કારણે હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો માટે ભારે છે. રાહતની વાત એ છે કે આવતીકાલથી રાજ્યમાં વરસાદના જોરમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
આગામી 3 ઓક્ટોબરથી 7 ઑક્ટોબર દરમિયાન રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં હજુ 7 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદનું જોર જોવા મળશે.
આજે 6 જિલ્લામાં 'યલો એલર્ટ'
હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર-કચ્છના 6 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાત: બનાસકાંઠા, પાટણ અને અમદાવાદમાં હળવો વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વડોદરા, સુરત અને ભરૂચમાં મધ્યમ વરસાદનું અનુમાન છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપી છે.
વરસાદ છતાં 'નવરાત્રિની રમઝટ'
નવરાત્રિના અંતિમ દિવસોમાં વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ ખેલૈયાઓની મજામાં ભંગ પડ્યો હતો, પરંતુ કેટલાક સ્થળોએ વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓનો ઉત્સાહ ઓછો નહોતો થયો.
ચોમાસુ 'સોળ આની': સિઝનનો 115 ટકા વરસાદ
ચાલુ વર્ષે ચોમાસાની વિદાયની ઘડીઓ વચ્ચે પણ વરસાદે રાજ્યમાં સારી એવી હાજરી આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 115 ટકા વરસાદ વરસ્યો છે, જે સરેરાશ 882 મીમીની સામે 1022 મીમી સુધી પહોંચ્યો છે.
ઝોન વાઈઝ વરસાદની સ્થિતિ:
કચ્છ: સૌથી વધુ 141 ટકા
દક્ષિણ ગુજરાત: 122 ટકા
ઉત્તર ગુજરાત: 120 ટકા
મધ્ય ગુજરાત: 115 ટકા
સૌરાષ્ટ્ર: સૌથી ઓછો 104 ટકા
વરસાદના કારણે એક તરફ ગરબાની મજા બગડી છે, તો બીજી તરફ અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોના વાવેતર નિષ્ફળ જવાની ભીતિ પણ ઊભી થઈ છે.





















