Gujarat Rain: વીજળીના કડાકા ભડાકા સાથે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહે છે.

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
34 તાલુકામાં વરસાદ વરસ્યો
રાજ્યમાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ભરૂચના હાંસોટમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના મહુવામાં સવા બે ઈંચ, ભરૂચના નેત્રંગમાં બે ઈંચ,ભરૂચમાં બે ઈંચ વરસાદ,સુરતના માંગરોળમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે.
કામરેજમાં એક ઈંચ, ધોલેરામાં એક ઈંચ, ઝઘડિયામાં પોણો ઈંચ, નાંદોદમાં પોણો ઈંચ, તળાજામાં પોણો ઈંચ, વાગરામાં પોણો ઈંચ, તિલકવાડામાં અડધો ઈંચ, ધારીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. શિનોરમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો તો તાલાલામાં અડધો ઈંચ વરસાદ વરસી ગયો.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી સપ્તાહે ગુજરાતમાં ચોમાસું બેસે તેવી શક્યતા છે. 29 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે. 30, 31 તારીખે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ હતી.
હવામાન વિભાગે મુંબઈ, થાણે, રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું, જેને સોમવારે સવારે રેડ એલર્ટમાં બદલી દેવામાં આવ્યું હતું. આ જિલ્લાઓમાં મંગળવારે ભારે વરસાદ માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ચોમાસુ નિર્ધારિત સમય કરતા 16 દિવસ વહેલું આવી જતાં મે મહિનામાં સૌથી વધુ વરસાદનો 107 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો. ભારે વરસાદને કારણે, મધ્ય રેલ્વેની હાર્બર લાઇન પર લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી અને ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હોવાથી હજારો લોકો અટવાઈ ગયા હતા. તે જ સમયે, હવામાન વિભાગે આજે પણ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્રમાં વરસાદ અને ભારે પવન ફૂંકવાની આગાહી કરી છે.




















