Sabarkantha Rain: હવામાનની આગાહી વચ્ચે શામળાજી હાઇવે પર ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સાબરકાંઠા શામળાજી હાઇવે પર સતત વરસાદ વરસી રહ્યો છે.

હિંમતનગર: રાજ્યમાં આજે પણ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સાબરકાંઠા શામળાજી હાઇવે પર સતત વરસાદ વરસી રહ્યો છે. હાઇવે પર અનરાધાર વરસાદથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.
શામળાજી હાઈવે પર ઝીરો વીઝીબીલીટી થઈ જતા હેડલાઈટ ચાલુ રાખી વાહન ચાલકો વાહન ચલાવવા મજબૂર બન્યા છે. હિંમતનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સમગ્ર હાઇવે પર વરસાદ વરસતા વાહનચાલકો ધીમે વાહન ચલાવવા મજબૂર બન્યા છે. હિંમતનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક ગામડાઓમાં સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
આજે રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.
માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગે તાપી, નવસારી,ડાંગ,વલસાડમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. રાજ્યમાં હજુ ત્રણ દિવસ છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરાઈ છે. વરસાદની આગાહીને પગલે માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારમાં 50થી 60 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે.
રાજ્યના 116 તાલુકામાં વરસાદ
આજે પણ વહેલી સવારથી રાજ્યના 116 તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. ભાવનગરના મહુવામાં 3.11 ઈંચ વરસાદ વરસ્યો છે. ભરૂચના હાંસોટમાં 2.13 ઈંચ વરસાદ, તળાજાના 2.13 ઈંચ, પાલિતાણામાં 1.26 ઈંચ, ડાંગના સુબીરમાં બે કલાકમાં 2.9 ઈંચ વરસાદ વરસ્યો છે. ગાંધીનગરમાં બે કલાકમાં 1.61 ઈંચ વરસાદ, વડોદરાના ડેસરમાં 1.1 ઈંચ વરસાદ, સુરતના ઓલપાડમાં 1.1 ઈંચ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી મોટુ નુકસાન
ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે. છેલ્લા અઠવાડિયાથી માવઠુ થઈ રહ્યું છે. જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયુ છે.





















