Vadodara Rain: ડભોઇમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો
ડભોઈનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. એસ.ટી.ડેપો, જૈનવાગાં,ટાવર, કન્યા શાળા, હીરા ભાગોળ, નાંદોદી ભાગોળ, સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર વરસાદ વરસ્યો છે.

વડોદરા: વડોદરા જિલ્લામાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. ડભોઈનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. એસ.ટી.ડેપો, જૈનવાગાં,ટાવર, કન્યા શાળા, હીરા ભાગોળ, નાંદોદી ભાગોળ, સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર વરસાદ વરસ્યો છે. બપોરના સમયે કાળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો છે. કાળા ડીબાંગ વાદળો સાથે ગાજ વીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.
ડભોઈમાં રોડ ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મઘમહેર જોવા મળી રહી છે. શિરોલા,પીસાઈ, પારિખા, મંડાળા, ચનવાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે.
કરજણમાં જામ્યો વરસાદી માહોલ
કરજણ શહેર તેમજ તાલુકા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારથી કરજણ શહેર તેમજ તાલુકામાં ભારે પવનના સુસવાટા સાથે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. તાલુકાના મિયાગામ, ખાધાં, કરમડી, કુરાઈ, કંડારી ધવાટ જેવા ગામોમાં વરસાદ વરસ્યો છે. સવારથી વરસાદી માહોલ છવાતા જનજીવન ઉપર અસર પડી છે.
ત્રણ કલાક ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ નાવ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ આગામી ત્રણ કલાક કેટલાક જિલ્લાઓ માટે ભારે રહેશે. આગામી ત્રણ કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ત્રણ કલાક દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, વડોદરા, ભરૂચ, આણંદ, જુનાગઢમાં માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ આગાહી માત્ર ત્રણ કલાક માટેની છે. આ સમય દરમિયાન આ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.
ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13 ટકા
રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13 ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31.20 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.50 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 30.93 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36 ટકા અને કચ્છ ઝોનમાં 23.7 ટકા સરેરાશ વરસાદ નોધાયો છે.
24 કલાકમાં રાજ્યના 171 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 171 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આજે સવારથી દ્વારકા પર મેઘરાજા મહેબાન થયા છે. દ્વારકા સહિતના આસપાસના વિસ્તારમાં સવારથી અત્યાર સુધીમાં સવા 2 ઇંચ વરસાદ વરસતાં ખેતરો અને રોડ રસ્તા પર પાણી ભરાયા છે. દ્વારકામાં સવારથી જ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. દ્વારકામાં સવારથી અત્યાર સુધીમાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો છે. કલ્યાણપુરમાં પણ અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. નોંધનિય છે કે, ગઈકાલે કલ્યાણપુરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો.





















