Amreli Rain : અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ, લાઠી- વડિયામાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના વડિયા અને લાઠીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વડિયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
અમરેલી : હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના વડિયા અને લાઠીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વડિયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. બપોરબાદ વાતાવરણ પલટાતા વડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
દેવગામ, સનાળા, અમરાપુર, બરવાળા બાવીસી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બરવાળા બાવીસી ગામે સ્થાનિક નદીમાં પુર આવ્યું છે. ચેકડેમ છલકાતા નદીમાં પૂર આવ્યું હતું. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.
અમરેલી જિલ્લામા સતત વરસાદી માહોલ યથાવત છે. લાઠી શહેરમાં બપોરબાદ વરસાદી માહોલ છવાયો હતો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ઘીમીઘારે વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમા ઠંડક પ્રસરી છે.
છોટાઉદેપુરમાં જામ્યો વરસાદી માહોલ
છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેતપુરપાવી, બોડેલી, કવાંટમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં મેઘમહેર થઈ છે.
છોટા ઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. બોડેલી-ડભોઈ હાઈવે પરના પાણી ખેતરોમાં ભરાયા હતા. પાટણા, સાલપુરા, કડીલા પાસે કોતરોના પાણી ખેતરોમાં ભરાયા છે. કેળના ઊભા પાક સહિત નવા વાવેતરને નુકસાનની ભીતિ છે.
મેઘરાજાની મહેરબાનીથી છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં નદી -નાળાઓ છલકાયા છે. નિચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.
ગુજરાતમાં 21 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમા ફરી એક વખત વરસાદની માહોલ જામ્યો છે. રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરુઆત થઈ છે. રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 19, 20 અને 21 જુલાઈએ અતિભારે વરસાદ પડી શકે છે . ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, નવસારી, વલસાડ, સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસશે. પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગની સુચના છે. અમદાવાદમાં 19 અને 20 જુલાઈએ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. સિઝનમાં અત્યાર સુધી રાજ્યમાં 63 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા આજથી રાજ્યમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર- ક્ચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 19, 20 અને 21 તારીખે ભારે વરસાદ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 દિવસ માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં 19-20 ભારે વરસાદની આગાહી છે. અત્યાર સુધી ગુજરાતમાં 63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.