Cyclone Biparjoy: વાવાઝોડાની કચ્છમાં અસર, ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ
બિપરજોય વાવાઝોડાની કચ્છમાં અસર શરુ થઈ છે. કચ્છમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભુજ,માધાપર,કોડાઇ,આસંબિયા,માંડવી સહિત વિસ્તારમાં વરસાદ ચાલુ થયો છે.
ભુજ: બિપરજોય વાવાઝોડાની કચ્છમાં અસર શરુ થઈ છે. કચ્છમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભુજ,માધાપર,કોડાઇ,આસંબિયા,માંડવી સહિત વિસ્તારમાં વરસાદ ચાલુ થયો છે. દરિયાઈ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. આવતી કાલે (બુધવારે) કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બિપોર્જોય વાવાઝોડું કચ્છના માંડવીમાં હિટ થશે. બિપરજોય વાવાઝોડું ભારે પવન સાથે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટ્રમાં તારાજી સર્જે તેવા સંકેત છે. અતિભારે વરસાદથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં પૂરની આશંકા છે. ભારે પવનને કારણે લાંગરેલી નાની બોટોને નુકસાન થવાની સંભાવના છે. કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં વરસાદનું તાંડવ સર્જાશે.
બિપરજોય વાવાઝોડાની અસરના કારણે 16 અને 17 જૂને અમદાવાદમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અતિથી અતિભારે વરસાદ પડવાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે.
ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે
બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં તેની અસર જોવા મળી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન વરસાદને લઇને હવામાન વિભાગે પણ આગાહી છે. પોરબંદર, દ્વારકા, કચ્છ,બનાસકાંઠા,પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ
પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. બખરલા,બગવદર,મઢવાડા,મજાવાણા,સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે. વરસાદની સાથે ભારે પવન જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. સોમવારથી સતત વરસાદી માહોલથી ખેતરો છે. દેવકા નદીમાં નવા નીર આવ્યા છે. જિલ્લાના તળાવો અને ચેકડેમ પણ છલકાયા છે.
બિપરજોય વાવાઝોડાને લઈ સામે આવ્યા મહત્વના સમાચાર
ગુજરાતના દરિયાકાંઠાની વાવાઝોડાના અંતરમાં વધારો થયો છે. જોકે બિપરજોય વાવાઝોડાનો ખતરો યથાવત છે. 15 જૂને સાંજ સુધીમાં બિપરજોય વાવાઝોડું ટકરાશે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું લેટેસ્ટ બુલેટિન સામે આવ્યું છે. દ્વારકા અને પોરબંદરથી વાવાઝોડાનું અંતર વધ્યું છે. દ્વારકાથી વાવાઝોડુ 300 કિમી દૂર છે. જ્યારે પોરબંદરથી વાવાઝોડુ 330 કિમી દૂર છે, જ્યારે 320 કિમી જખૌથી દૂર છે. બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાશે.
કચ્છના જખૌ બંદર પરથી તમામને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. જખૌમાં 522 બોટને સુરક્ષિત સ્થળે કાંઠા પર રખાઈ છે. બોટ રિપેરિંગનું કામ કરનાર 100 કારીગરોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. કંડલામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. કચ્છમાં માંડવીનો દરિયો તોફાની બન્યો છે. માંડવી દરિયાકિનારે ભારે પવન ફુંકાવાનો શરૂ થયો છે. દરિયાના મોજામાં પણ ભારે કરંટ જોવા મળ્યો છે. ભારે પવનના કારણે માંડવી બંદર ઉપર આવેલ ખાણીપીણાંનાં સ્લોટોના પતરા પણ ઉડ્યો છે. આજે કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.