અમરેલીમાં મેઘ તાંડવ: રાજુલા પંથકના ત્રણ ગામો સંપર્ક વિહોણા, 3 બોટ દરિયામાં ડૂબી
Amreli Rain: સમગ્ર ગુજરાતની જેમ અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

Amreli Rain: સમગ્ર ગુજરાતની જેમ અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને રાજુલા પંથકમાં મુશળધાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે.
રાજુલાના ત્રણ ગામો સંપર્ક વિહોણા
રાજુલાના દરિયાઈ કાંઠા વિસ્તારના ખેરા, પટવા અને ચાંચબંદર ગામો ભારે વરસાદના કારણે સંપર્ક વિહોણા બન્યા છે. ગત રાતથી સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે સમઢિયાળા ગામનો બંધારો ઓવરફ્લો થયો છે, જેના પાણી રસ્તા ઉપર ફરી વળતા આ ત્રણેય ગામોને જોડતો એકમાત્ર રસ્તો બંધ થઈ ગયો છે. દર ચોમાસામાં આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાથી ગ્રામજનોની વર્ષોથી માગ છે કે સરકાર આ સ્થળે એક બ્રિજ બનાવી આપે, જેથી ઇમરજન્સીની સ્થિતિમાં 108 જેવી સેવાઓ પણ સરળતાથી ગામ સુધી પહોંચી શકે.
અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન જોવા મળ્યા હતા. રાજુલા, જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદના રોહિસા, વડલી, ભાડા, ટીંબી ગામમાં વરસાદ વરસી રહ્યો છે. ટીંબી ગામમાં ધોધમાર વરસાદથી રૂપેણ નદીમાં પૂર આવ્યું હતું. રાજુલાના ડુંગર, માંડળ, ડુંગરપરડા, બાલાપરમાં વરસાદ વરસી રહ્યો છે.
ધારી ગીરમાં પૂરની સ્થિતિ
અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ગોરડિયો નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીના જળસ્તરમાં થયેલા વધારાને કારણે નીચાણવાળા વિસ્તારો અને આસપાસના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
દરિયો બન્યો તોફાની, બોટ ડૂબી, માછીમારો લાપતા
ભારે પવન સાથેના વરસાદ બાદ અમરેલીનો દરિયો તોફાની બન્યો છે. જેના કારણે જાફરાબાદ અને રાજપરા નજીક કુલ ત્રણ બોટ જળસમાધિ લઈ ગઈ છે. જેમાં રાજપરાની 'મુરલીધર' નામની બોટમાં સવાર 9 માછીમારો પૈકી 5નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય 4ની શોધખોળ હજુ ચાલુ છે. આ ઉપરાંત જાફરાબાદની અન્ય એક બોટ 'દેવકી' પણ દરિયામાં ડૂબી જતાં તેના 7 ખલાસીઓને બચાવી લેવાયા છે, પરંતુ અન્ય 11 ખલાસીઓ હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. બોટ ગરકાવ થવાની ઘટનાથી માછીમાર સમાજમાં ચિંતાનો માહોલ છે અને તંત્ર દ્વારા લાપતા માછીમારોને શોધવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.





















