Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા, દાંતીવાડા ડેમની જળ સપાટી વધી
બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. વહેલી સવારથી મોટા ભાગના તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ડીસામાં અંદાજે અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. વહેલી સવારથી મોટા ભાગના તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ડીસામાં અંદાજે અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે ધોળીયાકોટ વિસ્તારમાં પાણી ભરાયા છે. સોસાયટીમાં પ્રવેશદ્વાર પર જ પાણી ભરાતા રહીશો પરેશાન થયા છે. ડીસાના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. વેલુનગરમાં પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા હતા.
પાલનપુરમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો છે. જુના બસ સ્ટેન્ડ, ધનિયાણા ચોકડી સહીત વિસ્તારોમાં બે ફૂટ જેટલા પાણી ભરાયા છે. પાલનપુરની સીવીલ હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓ સહિત લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અમીરગઢ, ઈકબાલગઢ પંથકમાં વરસાદી ઝાપટા વરસતા ખેડૂતો ખુશ થયા છે. લાંબા વિરામ બાદ વરસાદ પડતા પાકને જીવતદાન મળ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, દાંતીવાડા,પાંથાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ધાનેરાના બાપલા,વાછોલ,કુંડી સહિતના સરહદી વિસ્તારોના ગામોમાં વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં નવા પાણીની આવક થઈ છે. દાંતીવાડા ડેમમાં 10 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસ અને જિલ્લામાં પડેલા વરસાદને લઈને દાંતીવાડા ડેમની જળ સપાટીમાં એક ફૂટનો વધારો થયો છે. દાંતીવાડા ડેમની જળ સપાટી 568 ફૂટ ઉપર પહોંચી પહોંચી છે.
ભારે વરસાદની આગાહી
આવતીકાલે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે પણ આ આગાહીને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે.