જૂનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ, ત્રણ કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો
ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 180 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ જૂનાગઢના વિસાવદર તાલુકામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
જૂનાગઢઃ જૂનાગઢના વિસાવદર માં બારે મેઘ ખાંગા થયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે આંબાજળ ડેમમાં પાણીની ભારે આવક થતાં ડેમના 4 દરવાજા 2 ફૂટ ખોલાયા હતા. જેને પગલે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા હતા. તે સિવાય પાંચ ગામોને પણ એલર્ટ કરાયા હતા.
ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 180 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ જૂનાગઢના વિસાવદર તાલુકામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજુલા શહેરમાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો. સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. લીલીયામાં નદીના પાણીમાં તણાઇ રહેલા ત્રણ યુવાનોને બચાવવામાં આવ્યા હતા. લીલીયાના ઢાંગલા ગામ નજીકની નદીના પ્રવાહમાં 3 યુવાનો ફસાયા હતા. ત્રણ યુવાનો ખારી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયા હતા. મજૂરી કામ સાથે સંકળાયેલા ત્રણ યુવાનો સાકળ બનાવી નદી પાર કરતા સમયે પાણીમાં ફસાયા હતા. પાણીનો ધસમસતો પ્રવાહ હોવાથી ત્રણ યુવાનો નદીમાં તણાયા હતા. જોકે, સ્થાનિકોએ એકઠા થઇને ત્રણેય યુવાનોને બચાવ્યા હતા.
અમરેલીના ઠેબી ડેમમાં 9860 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમના 8 દરવાજા ખોલવામા આવ્યા હતા. શહેરમાં નગર પાલિકા દ્વારા લાઉડ સ્પીકરથી લોકોને સૂચના આપવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારમાં ન જવા તેમજ સુરક્ષિત સ્થળ પર રહેવા લોકોને અપીલ કરાઇ રહી છે.