PM Modi in Gujarat: વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ગુજરાતને 8 વર્ષમાં શું-શું ભેટ આપી ? જાણો વિગત
PM Modi@8: 26 મેના રોજ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના આઠ વર્ષ પૂર્ણ થશે. આ 8 વર્ષ દરમિયાન તેમણે ગુજરાતને વિશેષ પ્રાથમિકતા આપી છે.
PM Modi@8: 26 મેના રોજ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના આઠ વર્ષ પૂર્ણ થશે. આ 8 વર્ષોમાં દેશમાં તેમણે વિકાસના ઘણા કામ પૂર્ણ કરીને દેશને નવી ઓળખ આપી છે. આ કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતને વિશેષ પ્રાથમિકતા આપી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ગુજરાતને દેશના વિકાસ મોડલ તરીકે સ્થાપિત કર્યું છે. જોકે તેમ છતાં અમુક એવા વિષયો પણ હતા, જે તેમની પહોંચની બહાર હતા. મતલબ કે એવા વિષયો કે જેમાં કેન્દ્ર સરકારની સીધી દખલગીરી હોય અને જે વિષયો ગુજરાત માટે મહત્વના હતા. પરંતુ યુપીએની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે તેના પર ખાસ ધ્યાન આપ્યું ન હતું. આવી સ્થિતિમાં વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તે પ્રશ્નોના નિરાકરણ અંગે ગુજરાતની સરકાર અને લોકોમાં આશા બંધાઇ હતી અને તે પ્રમાણે થયું પણ ખરું!
પીએમ બન્યાના 17 દિવસની અંદર જ લીધો આ મોટો નિર્ણય
વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યા બાદ તુરંત જ તેમણે ગુજરાતને લગતા તે તમામ વિષયો પર ઝડપી નિર્ણયો લીધા જે ઘણા વર્ષોથી પેન્ડિંગ હતા. જેમકે ગુજરાત વર્ષોથી સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી આપવા માંગ કરી રહ્યું હતું. વડાપ્રધાન બનતાની સાથે જ 17 દિવસની અંદર આ વિષય પર તેમણે મંજૂરી આપી હતી. એવી જ રીતે, કેન્દ્ર પાસેથી ગુજરાતની નિકળતી ક્રૂડ ઓઈલની રોયલ્ટીનો પ્રશ્ન પણ દૂર કર્યો અને ગુજરાતના હિસ્સાની રકમ રાજ્યને સોંપવાનો પણ આદેશ કર્યો હતો.
PM મોદીએ છેલ્લા 8 વર્ષમાં ગુજરાતના હિત માટે લીધેલા મહત્વના નિર્ણયો
નર્મદા યોજના હેઠળ સરદાર સરોવર ડેમના ગેટ બંધ કરવાની મંજૂરી
વડાપ્રધાન બન્યાના 17 દિવસની અંદર નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવાની ગુજરાતની લાંબા સમયથી માંગણીને મંજૂરી આપી દીધી હતી. આ પ્રોજેક્ટ ગુજરાતની જીવાદોરી ગણાય છે.મંજુરી બાદ આ વિષય માટે રચાયેલી સમિતિએ વધુ કાર્ય પૂર્ણ કર્યું અને આ પ્રોજેક્ટને લગતા મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા રાજ્યોની સમસ્યાઓનું નિરાકરણ કર્યા પછી અને તેમની સંમતિથી આખરે 16 જૂન 2017ના સરદાર સરોવર ડેમના તમામ દરવાજા બંધ કરી દીધા હતા. ડેમના દરવાજા બંધ થવાથી આ ડેમની ક્ષમતા 3.75 ગણી વધીને 4.73 મિલિયન ક્યુબિક મીટર (MCM) થઈ છે.
વર્ષોથી લેવાની બાકી નીકળતી ક્રૂડ રોયલ્ટી ગુજરાતને મળી
વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ માર્ચ 2015માં ક્રૂડ ઓઇલની રોયલ્ટી સાથે સંબંધિત અન્ય એક મોટા મુદ્દાને ઉકેલવા માટે નિર્ણય કર્યો. તેમાં કેન્દ્ર સરકારને ગુજરાતના રૂ. 763 કરોડ ગુજરાત સરકારને ક્રૂડ ઓઇલ રોયલ્ટી તરીકે આપવામાં આવશે. ગુજરાત માટે આ મોટો નિર્ણય એટલા માટે પણ છે કારણ કે તે સમયે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતો. પરંતુ, તેમ છતાં નરેન્દ્ર મોદીએ ગુજરાતની જરૂરિયાતો અને હિતોને પ્રાધાન્ય આપીને આ મુદ્દાનું નિરાકરણ કર્યું અને ગુજરાતને ક્રૂડ ઓઈલની રોયલ્ટી તરીકે લગભગ રૂ. 800 કરોડ આપવાનું નક્કી કર્યું.
AIIMS, રાજકોટ
ગુજરાતમાં લાંબા સમયથી એવી માંગ ઉઠી રહી છે કે રાજ્યમાં એઈમ્સ જેવી હોસ્પિટલ હોવી જોઈએ. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી ગુજરાતની આ જરૂરિયાતને સારી રીતે સમજતા હતા. આ જ કારણ છે કે જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે આ વિષયને પ્રાધાન્ય આપ્યું હતું અને ગુજરાતના રાજકોટમાં એઈમ્સની સ્થાપનાને મંજૂરી આપી હતી. ડિસેમ્બર 2020માં નરેન્દ્ર મોદીએ રાજકોટ એઈમ્સનો શિલાન્યાસ કર્યો હતો.
ગુજરાતને લાઇટ હાઉસ પ્રોજેક્ટની ભેટ આપી
લાઇટહાઉસ પ્રોજેક્ટ એ કેન્દ્રીય શહેરી બાબતોના મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજના છે, જેના અંતર્ગત સ્થાનિક આબોહવા અને ઇકોલોજીને ધ્યાનમાં રાખીને લોકોને કાયમી આવાસ આપવામાં આવે છે. આ પ્રોજેક્ટ માટે જે રાજ્યોની પસંદગી કરવામાં આવી છે તેમાં ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને ગુજરાતનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સસ્તા અને મજબૂત મકાનો બનાવવામાં આવે છે. આ લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ બનેલા તમામ મકાનો સંપૂર્ણપણે ભૂકંપ પ્રતિરોધક હશે. રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેકટ હેઠળ 1144 આવાસો બનાવવામાં આવી રહ્યા છે.
બુલેટ ટ્રેન
બુલેટ ટ્રેનના સ્વરૂપમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતને એક મોટી ભેટ આપી છે. ગુજરાતનું અમદાવાદ અને મહારાષ્ટ્રનું મુંબઈ, આ બંને એવા પ્રથમ શહેરો બનશે જે ઝડપી ગતિએ દોડતી બુલેટ ટ્રેનના પ્રત્યક્ષ સાક્ષી બનશે. 14 સપ્ટેમ્બર, 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિંજો આબેની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી રેલવે કનેક્ટિવિટી
સ્ટેચ્યુ ઑફ યુનિટી આજે ગુજરાતની એક નવી ઓળખ બની ગયું છે. વિશ્વભરમાંથી પ્રવાસીઓ આ વિશાળકાય સ્ટેચ્યુને જોવા માટે આવે છે. આ પ્રવાસન સ્થળની મુલાકાત માટે વધુ એક મોટી સુવિધા ઉભી કરવા માટે નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2021ના રોજ કેવડિયા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. તેનાથી ગુજરાતમાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લેવાનું હવે વધુ સરળ થઈ ગયું છે. હાલ ભારતીય રેલવેની 8 ટ્રેનો આ રૂટ પર ચાલી રહી છે.
GFSU ને NFSUનો રાષ્ટ્રીય દરજ્જો, RSU ને RRUનો દરજ્જો અને જામનગર સ્થિત આયુર્વેદિક યુનિવર્સિટીને રાષ્ટ્રીય યુનિવર્સિટીનો દરજ્જો
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2020માં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (GFSU) અને રક્ષાશક્તિ યુનિવર્સિટી (RSU) ને રાષ્ટ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે. આ માટે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ લોકસભા અને રાજ્યસભામાં વિશેષ બિલ પાસ કર્યું. આ બંને યુનિવર્સિટીઓને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ જ ગુજરાતમાં સ્થાપિત કરી હતી અને વડાપ્રધાન બન્યા પછી તેમણે તેને રાષ્ટ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપીને તેના મહત્વ અનેકગણું વધારી દીધું છે.
આ જ રીતે શ્રી નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2020માં જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને પણ રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો આપ્યો. લગભગ 175 વર્ષ જૂની આ સંસ્થાને માનદ ઉપાધિ મળતાની સાથે જ હવે તેને શૈક્ષણિક સ્વાયત્તતા પણ પ્રાપ્ત થશે.
સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશનમાં એક નવો માઇલસ્ટોન, ગુજરાતના વડોદરામાં રેલવે યુનિવર્સિટીની સ્થાપના
ગુજરાત પહેલેથી જ સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશનનું કેન્દ્ર રહ્યું છે તે વાત નરેન્દ્ર મોદી ખૂબ સારી રીતે સમજે છે કે. આ જ કારણે તેમણે સપ્ટેમ્બર 2018માં ગુજરાતના વડોદરા શહેરને દેશની પ્રથમ રેલવે અને પરિવહન યુનિવર્સિટી (નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ)ની ભેટ આપી. 5 સપ્ટેમ્બર, 2018ના રોજ ‘શિક્ષક દિન’ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું.
ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન
19 એપ્રિલ, 2020ના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબ્રેયસસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)નો શિલાન્યાસ કર્યો. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જામનગરમાં સ્થાપિત કરવામાં આવી રહ્યું છે અને આવનારા સમયમાં ગુજરાત પારંપરિક સારવાર પદ્ધતિમાં પણ વિશ્વનું કેન્દ્ર બનશે.
ગ્રીન એરપોર્ટ
આધુનિક સુવિધાયુક્ત એક નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની ભેટ પણ નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજકોટ શહેરને આપી છે. રાજકોટમાં આ નવું એરપોર્ટ અમદાવાદ-રાજકોટ હાઇવે પર 1000 હેક્ટરથી વધુ વિસ્તારમાં રૂ.1405 કરોડના અંદાજિત ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે. રાજકોટ ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર છે. સાથે જ તે સૌરાષ્ટ્રની કમર્શિયલ રાજધાની પણ છે. રાજકોટ અને તેની આસપાસના વિસ્તાર મેન્યુફેક્ચરિંગ હબ છે અને ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયા પછી આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં રોજગાર મળવાની અપેક્ષા તો છે જ, પણ તેની સાથે એક્સપોર્ટને પણ ખૂબ પ્રોત્સાહન મળશે.
વૈશ્વિક નેતાઓને ગુજરાતમાં લાવીને રાજ્યનું ગૌરવ વધાર્યું
નરેન્દ્ર મોદી દેશના એકમાત્ર એવા નેતા છે કે જેમણે કેન્દ્રની કૂટનીતિ હેઠળ વૈશ્વિક નેતાઓ સાથે બેઠકો માટે નવી દિલ્હીની બહાર દેશના વિવિધ રાજ્યોને પ્રાથમિકતા આપી છે. તેમાંથી તેમણે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. વિવિધ વૈશ્વિક નેતાઓની ગુજરાત મુલાકાતને કારણે ગુજરાતનો વિકાસ, ગુજરાતની મહેમાનગતિ અને ગુજરાતની સંસ્કૃતિ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની હતી.
- વડા પ્રધાન બન્યા બાદ, સપ્ટેમ્બર 2014 માં, તેઓ પ્રથમ વખત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ગુજરાત લઈ આવ્યા અને તેમની સાથે સાબરમતી રિવરફ્રન્ટના પાર્કમાં હિંચકા પર બેસીને રાજદ્વારી ચર્ચા કરી.
- સપ્ટેમ્બર 2017 માં, જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિંઝો આબે પણ તેમની ભારતની મુલાકાત માટે અમદાવાદ આવ્યા હતા. આ પ્રવાસમાં તેમણે ઘણા નિર્ધારિત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટનો પાયો પણ નાખ્યો હતો, જેને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
- જાન્યુઆરી 2018માં જ્યારે ઇઝરાયેલના ભૂતપૂર્વ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ પ્રથમ વાર ભારતની મુલાકાતે આવ્યા, ત્યારે તેઓ પણ સૌપ્રથમ ગુજરાતના અમદાવાદમાં આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમણે અહિં કેટલાક નિર્ધારિત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
- વર્ષ 2020માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની ભારત મુલાકાત દરમિયાન ગુજરાત આવ્યા હતા. ગુજરાતમાં જ નરેન્દ્ર મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમોમાં ઉપસ્થિત લોકોને સંબોધિત પણ કર્યા હતા.
- એપ્રિલ 2022માં વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટ્રુડો ગ્રેબાસ અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
- એપ્રિલ 2022માં બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેઓ ગુજરાતની મુલાકાત લેનારા પ્રથમ બ્રિટિશ વડાપ્રધાન પણ બન્યા છે. અહીં તેમણે એડિનબર્ગ યુનિવર્સિટીના સહયોગથી બનેલ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને જેસીબી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી.