Gujarat: રાજ્યમાં આજથી ફરી વધશે ઠંડી, જાણો કચ્છમાં કેટલા દિવસ કોલવેવની કરાઇ આગાહી?
ગુરૂવારે રાત્રે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી વધારે હતુ
ગાંધીનગરઃ રાજ્યમાં આજથી ફરી ઠંડીનો વધુ એક રાઉન્ડનો પ્રારંભ શરૂ થયો છે. આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાન સામાન્ય કરતા ત્રણથી છ ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરૂવારે રાત્રે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી વધારે હતુ. કચ્છમાં 14 અને 15 જાન્યુઆરીએ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
તો અમદાવાદમાં પણ ઠંડીનો પારો દસ ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં ઠંડીના આંકડાની વાત કરીએ તો વલસાડમાં સૌથી નીચુ 13 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો વડોદરામાં ઠંડીનો પારો 14.4 ડિગ્રી પર પહોંચી ગયો હતો. વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનો પારો 14.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો નલિયામાં ઠંડીનો પારો 14.8 ડિગ્રી પર પહોંચ્યો હતો.
જો કે આગામી 14 અને 15 જાન્યુઆરીના રોજ નલિયામાં ઠંડીનો પારો ચાર ડિગ્રી સુધી જવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કેશોદમાં ઠંડીનો પારો 15.7 ડિગ્રી, સુરત અને સંઘ પ્રદેશ દમણમાં ઠંડીનો પારો 16 ડિગ્રી પર પહોંચ્યો છે. તો ગાંધીનગરમાં ઠંડીનું તાપમાન 16.2 ડિગ્રી નોંધાયુ. મહુવામાં ઠંડીનો પારો 16.3 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો પોરબંદર, અમદાવાદ અને સંઘ પ્રદેશ દિવમાં ઠંડીનો પારો 17 ડિગ્રી પર પહોંચ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 14થી 16 જાન્યુઆરીમાં ઠંડીનો પારો નવ ડિગ્રી સુધી ગગડી શકે છે. અમરેલીમાં ઠંડીનો પારો 17.3 ડિગ્રી, ભાવનગરમાં 17.4 ડિગ્રી, ભૂજમાં 17.6 ડિગ્રી અને ડીસામાં ઠંડીનો પારો 17.8 ડિગ્રી સુધી નોંધાયો. તો રાજકોટમાં 18.7 ડિગ્રી અને વેરાવળમાં ઠંડીનો પારો 19.3 ડિગ્રી પર પહોંચ્યો હતો.
દિલ્હીમાં કમોસમી વરસાદ પડતા જનજીવનને વ્યાપક અસર થઈ હતી. વરસાદને કારણે વાતાવરણ વધુ ઠંડુ થયુ હતુ. આ સ્થિતિમાં હવામાન વિભાગે ઉત્તર ભારતમાં ફરીથી કોલ્ડવેવની ચેતવણી આપી છે. જમ્મુ-કશ્મીરમાં હિમસ્ખલન થયુ હતુ. જેમાં બેના મોત થયા હતા. હિમાચલ પ્રદેશમાં ઠંડો પવન ફુંકાયો હતો. બિહાર અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ સર્જાશે અને એક સપ્તાહ સુધી આકરી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. પાટનગર દિલ્લીમાં ઠંડી વચ્ચે વરસાદ થયો હતો. હવામાન વિભાગે દિલ્લી સહિતના રાજસ્થાન અને પંજાબમાં પણ હળવા વરસાદની આગાહી કરી છે. વરસાદ થતા ઉત્તર ભારતનું વાતાવરણ ફરીથી બદલાયુ છે. ઉત્તર ભારતના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો રેકોર્ડ બ્રેક નીચે આવ્યો હતો. આગામી 14થી 19 જાન્યુઆરી દરમિયાન દેશભરમાં કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થશે. તો જમ્મુ-કશ્મીરમાં વરસાદ પડે તેવી શક્યતા વચ્ચે શ્રીનગર-જમ્મુ અને શ્રીનગર-લેહ હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. દિલ્લીમાં હજુ પણ વરસાદની શક્યતા છે.