તાપીના વ્યારામાં શિક્ષકે પોતાના અપહરણનું નાટક રચ્યું, કારણ જાણી ચોંકી ઉઠશો
દીકરીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ચાર અજાણ્યા શખ્સોએ તેના પિતાનું કારમાં અપહરણ કર્યું છે.
તાપીઃ તાપીમાં એક શિક્ષકને પોતાનું અપહરણનું થયાનું નાટક રચવું ભારે પડ્યું હતું. મળતી જાણકારી અનુસાર તાપી જિલ્લાના વ્યારામાં સરકારી શાળામાં ફરજ બજાવતો હર્ષદ ગામીત નામનો શિક્ષક 5 એપ્રિલના અચાનક ગુમ થઈ ગયો હતો. પિતા અચાનક ગુમ થતા તેની દીકરીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ચાર અજાણ્યા શખ્સોએ તેના પિતાનું કારમાં અપહરણ કર્યું છે.
દીકરીની ફરિયાદ બાદ પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણ થઇ હતી કે હર્ષદ ગામીત રાજસ્થાનમાં છે. પોલીસે તેને રાજસ્થાનથી પકડીને વ્યારા લાવી હતી. હર્ષદની પૂછપરછ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ પૂછપરછમાં હર્ષદે સ્વીકાર કર્યો હતો કે તેણે અંગત કારણોસર પોતાનું અપહરણ થયાનું નાટક રચ્યું હતું. પોલીસને ગેરમાર્ગે દોરવા બદલ શિક્ષક હર્ષદ ગામીત સામે ફરિયાદ નોંધાઈ છે.
ભારતમાં ઓમીક્રોનના XE વેરિએન્ટની એન્ટ્રી
ભારતમાં ઓમીક્રોનના XE વેરિએન્ટની એન્ટ્રી થઇ ચુકી છે. ઓમીક્રોનથી 10 ગણો વધુ ઝડપથી ફેલાતા XE વેરિએન્ટનો ભારતમાં સૌપ્રથમ કેસ મુંબઈમાં નોંધાયો છે. અહેવાલો અનુસાર XE વેરિઅન્ટ ઓમિક્રોનના બે પેટા પ્રકાર BA.1 અને BA.2 નો સંકર પ્રકાર હોવાનું કહેવાય છે.XE વેરિઅન્ટ તાજેતરમાં યુનાઇટેડ કિંગડમમાં શોધી કાઢવામાં આવ્યો હતો.
XE વેરિઅન્ટનો એક અને કપ્પાનો એક કેસ નોંધાયો
BMC દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના જીનોમ સિક્વન્સિંગ માટે કેટલાક લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. કુલ 376 કોરોના સંક્રમિતોના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા. આ પછી, આમાંથી 230 નમૂનાઓનું પરિણામ બહાર આવ્યું. તેમાંથી 228 કેસ ઓમિક્રોન વેરિઅન્ટના હતા. આ સાથે જ કપ્પા વેરિઅન્ટ અને "XE" વેરિઅન્ટનો એક-એક કેસ નોંધાયો છે.
આ તમામ દર્દીઓમાંથી 21 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી 12 લોકો એવા હતા જેમણે કોરોના વેક્સીનનો એક પણ ડોઝ લીધો ન હતો, જ્યારે 9 લોકો એવા હતા જેમણે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. જોકે, રાહતની વાત એ છે કે તેમાંથી કોઈને પણ ઓક્સિજન સપોર્ટ કે આઈસીયુમાં રાખવામાં આવ્યા નથી.