છેલ્લા 24 કલાકમાં રાજ્યના 58 તાલુકામાં વરસાદ પડ્યો, સૌથી વધુ વડોદરાના ડભોઈના સવા બે ઇંચ
હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ ભાવનગર, બોટાદ, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, દીવ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 58 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. આ 24 કલાકમાં વડોદરાના ડભોઈમાં સૌથી વધારે ડભોઈમાં સવા બે ઇંચ વરસાદ પડ્યો છે તો ડાંગના આહવામાં બે ઇંચ વરસાદ પડ્યો છે.
ઉપરાંત અરવલ્લીના મોડોસામાં પોણા બે ઇંચ, ભાવનગરના મહુવામાં પોણા બે ઇંચ, ડાંગના વધઈમાં દોઢ ઇંચ, તાપીના ડોલવણમાં દોઢ ઇંચ, રાજકોટ શહેરમાં દોઢ ઇંચ, અમદાવાદ શહેરમાં સવા ઇંચ, ગીર સોમનાથના સૂત્રાપાડામાં સવા ઇંચ, આણંદના ખંભાતમાં સવા ઇંચ, ખેડાના કપડવંજમાં એક ઇંચ, છોટા ઉદેપુરના ક્વાંટમાં પોણો ઇંચ, સાબરકાંઠાના હિંતનગરમાં પોણો ઇંચ, ડાંગના સુબિરમાં અડધો ઇંચ, નવસારીના ખેરગામમાં અડધો ઇંચ અને ગીર સોમનાથના કોડિનારમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.
જોકે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. ગુજરાતની આસપાસના વિસ્તારમાં વરસાદ ખેંચી લાવે તેવી કોઇ સિસ્ટમ સક્રિય નથી. જેના પગલે આગામી એક સપ્તાહ સુધી નવું લો-પ્રેશર બનવાની શક્યતા નહીં હોવાથી વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યારસુધી મોસમનો ૮૭.૩૦ મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ૩૦ વર્ષની રાજ્યની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૧૦.૩૮ ટકા છે.
હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ ભાવનગર, બોટાદ, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, દીવ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જો કે, હાલની સ્થિતિ પ્રમાણે આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડે તેની સંભાવના નથી.
રાજ્યમાં સરદાર સરોવર જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના ૪૫.૦૯ ટકા જળસંગ્રહ છે. ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહશક્તિના ૩૭.૧૪ ટકા જળસંગ્રહ છે અને ચાર જળાશયો હાઇ એલર્ટ પર છે. તો ચાલુ વર્ષે અંદાજીત ૬.૮૯૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં ૧.૩૯૪ લાખ હેક્ટર વાવેતર થયું હતું.
રાજ્યમાં હવે પાંચ દિવસ મેઘરાજા ખમૈયા કરશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.5 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે સારો વરસાદ વરસતા હવે ખેડૂતોએ ખરીફ પાકની વાવણી શરૂ કરી છે. રાજ્યમાં ખરીફ પાકોનું વાવેતર 8.06 ટકા થયું છે. રાજ્યમાં સૌથી વધુ વાવેતર કપાસ અને મગફળીનું વાવેતર થયું છે. વરસાદ વરસશે તેમ આગામી દિવસોમાં વાવેતરમાં પણ વધારો થશે.