Visavadar: વિસાવદરમાં સીઆર પાટીલનો પ્રચંડ પ્રચાર, ભેંસાણમાં ગોપાલ અને કેજરીવાલ બન્નેને ઝાટક્યા
Visavadar By-Election Star Campaigners News: વિસાવદરમાં પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આપે જબરદસ્ત તાકાત લગાવી છે, કેજરીવાલ ખુદ પ્રચારમાં ઉતર્યા છે

Visavadar By-Election Star Campaigners News: ગુજરાતમાં હાલમાં બે વિધાનસભા બેઠકો પર જંગ જામ્યો છે, કડી અને વિસાવદર, બન્ને બેઠકો પર ભાજપ, કોંગ્રેસની સાથે આપ પણ ખુબ પ્રચારમાં લાગ્યુ છે. આજે સૌથી ચર્ચિત બેઠક વિસાવદરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે એક જંગી જનસભાને સંબોધીને લોકોને ભાજપને મત આપવા અપીલ કરી હતી. આજે વિસાવદરના ભેંસાણમાં રેલી દરમિયાન સીઆર પાટીલે પ્રચંડ પ્રચારની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આગામી 19 જૂને ગુજરાતમાં આ બન્ને વિધાનસભામાં મતદાન યોજાશે.
વિસાવદરમાં પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આપે જબરદસ્ત તાકાત લગાવી છે, કેજરીવાલ ખુદ પ્રચારમાં ઉતર્યા છે. આ વખતે વિસાવદર આ બેઠક પર પહેલીવાર રસાકસીભર્યો ત્રિપાંખીયો જંગ ખેલાઇ રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષોના મજબૂત ચહેરો મેદાનમાં ઉતર્યા છે. ભાજપ તરફથી કિરીટ પટેલ, કોંગ્રેસ તરફથી નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી જંગમાં છે.
આજે ભાજપના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સીઆર પાટીલે વિસાવદરના ભેંસાણમાં રેલીને સંબોધી હતી, ચૂંટણી પ્રચાર કરતાં તેમને કોંગ્રેસ અને આપ બન્ને પર જોરદાર પ્રહારો કર્યા હતા. વિસાવદરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પ્રચંડ પ્રચાર કરતાં નામ લીધા વિના કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. પાટીલે કહ્યું કે, દિલ્લીની જનતાએ કેજરીવાલને પણ હરાવી દીધા છે. 2022માં વિસાવદર બેઠક સાત હજાર મતથી હાર્યા હતા. વિસાવદરના વિકાસ માટે ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા છે. હાર બાદ પણ હર્ષદ રિબડિયા વિસાવદરમાં સક્રિય રહ્યાં છે. હર્ષદ રિબડિયા અને ભૂપત ભાયાણી પણ દાવેદાર હતા. બંનેએ પાર્ટીના મેન્ડેટને માન આપી મહેનત કરી રહ્યાં છે.
સીઆર પાટીલે આપ પર વધુ આકરા પ્રહારો કરતાં કહ્યું કે, ગોપાલ ઈટાલિયાએ ફોર્મ ભર્યું ત્યારે AAP ગુજરાતના એક પણ નેતા ન હતા આવ્યા. દિલ્લીથી હારેલા નેતાઓ ફોર્મ ભરવા આવ્યા હતા. ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં ગુજરાત AAPના કોઈ નેતા નથી. 2022માં 20 બેઠક પાંચ હજારથી ઓછા અંતરથી હાર્યા હતા. પાટીલે કહ્યું કે, આ વખતે કોઇ ખોટી વાતોમાં આવતા નહીં, કોઈ લાલચમાં આવતા નહીં, ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને જીતાડવાનો સંકલ્પ કરો. વિસાવદરમાં ભાજપની જીત નિશ્ચિત છે.
આગામી 19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે. આ દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. જેથી મતદારો કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરી શકે. મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે.





















