(Source: ECI/ABP News/ABP Majha)
ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન બાદ નવો ખુલાસો, જાણો
આ કેસના તાર ધંધૂકાથી અમદાવાદ થઈને મુંબઈ અને દિલ્હી સુધી પહોંચ્યા છે. આ કેસમાં પાકિસ્તાન કનેક્શનની સાથે સાથે સ્લીપર સેલ એક્ટિવ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ધંધૂકામાં માલધારી યુવકની હત્યાના સમગ્ર ગુજરાતમાં પડઘા પડી રહ્યાં છે. હત્યાના વિરોધમાં ઠેર-ઠેર હિંદુ સંગઠનો દ્વારા બંધ અને રેલી યોજવામાં આવી રહી છે. કિશનની શબ્બીર ઉર્ફે શાબા ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણ ગોળી મારીને હત્યા કરી હતી. જો કે હવે આ કેસના તાર ધંધૂકાથી અમદાવાદ થઈને મુંબઈ અને દિલ્હી સુધી પહોંચ્યા છે. આ કેસમાં પાકિસ્તાન કનેક્શનની સાથે સાથે સ્લીપર સેલ એક્ટિવ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ કેસમાં અત્યાર સુધીમાં શબ્બીર,ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમરગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા મળીને કુલ 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. માત્ર એટલું જ નહીં આ લોકો સાથે અન્ય લોકો પણ સંકળાયેલા હોવાનું પોલીસનું માનવું છે. એજન્સીઓની સાથે નેશનલ એજન્સીના અધિકારીઓએ પણ અનેક નંબર સ્કેનિગમાં મુક્યાં છે.
ધંધુકામાં કિશન બોળિયા નામના માલધારી યુવકની હત્યા કેસમાં દરરોજ નવા નવા ચોંકાવનારા ધડાકા થઈ રહ્યા છે. હવે આ કેસમાં હત્યાના તાર પાકિસ્તાન સુધી જતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ કેસમાં જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ થતાં અનેક ખુલાસા થયા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં પાકિસ્તાની કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. આ સંગઠનો મુંબઈ, દિલ્લી અને યુપીમાં પણ કટ્ટરવાદી સંગઠન ચલાવતા હોવાની માહિતી બહાર આવી છે. તહેરીક-એ-નમૂસ-એ-રિસાલત નામનું સંગઠન આ હત્યા માટે જવાબદાર હોવાનું અનુમાન છે. આ સંગઠન પહેલાં તહેરીક-એ-ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હોવાનું અનુમાન છે.
આ સંગઠનના પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીક-એ-લબ્બેક સાથે સંબંધ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ માહિતીના આધારે ધંધૂકાની મસ્જિદમાં પણ સર્ચ-ઓપરેશન હાથ ધરાયું છે. ધંધુકાની મસ્જિદના મૌલવીની પણ તપાસ શરૂ કરાઈ છે.
ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં મૌલાનાને હથિયાર આપનાર અઝીમ સમાની પણ પોલીસે ધરપકડ કરી છે. ગુજરાત એટીએસએ દિલ્હીના મૌલવી કમર ગની ઉસ્માનીની ધરપકડ કરી હતી. મૌલવીએ હત્યા માટે બંને આરોપીઓને ઉશ્કેર્યા હતા. કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરાઇ હતી. કમર ગની ઉસ્માની એક વર્ષથી ષડયંત્ર કરી રહ્યો હતો.